Get The App

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા

સતત ત્રીજા દિવસે રખડતા કૂતરાઓના કારણે અકસ્માત : એક મહિલાનું મોત : ચાર ઇજાગ્રસ્ત

Updated: Apr 1st, 2025


Google News
Google News
કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા  દંપતી અને બાળકને ઇજા 1 - image

વડોદરા,શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. ગઇકાલે મોડીરાતે તરસાલી બ્રિજ પરથી બાઇક લઇને જતા દંપતીની પાછળ કૂતરાઓ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને ૯ વર્ષના બાળકને ઇજા થઇ હતી. જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા છે.

વાઘોડિયા રોડ ડી - માર્ટ પાસે રાધે ક્રિષ્ણા ફ્લેટમાં રહેતા અમિતકુમાર પ્રાણલાલ રાઠોડ (ઉં.વ.૩૦) ટેલરીંગનું કામ કરે છે. ગઇકાલે રાતે તેઓ પત્ની  ગીતાબેન નરવતસિંહ જાદવ ( ઉં.વ.૨૪) ૯ વર્ષના બાળક સાથે  રાતે ભજનમાં ગયાહતા. ત્યાંથી રાતે અઢી વાગ્યે બાઇક પર તેઓ પરત ઘરે આવતા હતા. તેઓ તરસાલી બ્રિજ ચઢતા હતા. તે દરમિયાન કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી.  જેથી, ત્રણેય રોડ પર પટકાયા હતા. અમિતકુમારને જમણા હાથ અને  પગ, ગીતાબેનને કમરના ભાગે તથા બાળકને જમણા હાથ અને પેટ પર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર છે. 

ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસથી રખડતા કૂતરાઓના કારણે નિર્દોષ નાગરિકો હેરાન થઇ રહ્યા છે. ત્રણ દિવસ પહેલા શેરી કૂતરાએ માણેજા વિસ્તારમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો પકડી લેતા મહિલા પટકાઇ હતી. ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે ગઇકાલે મકરપુરા જશોદા નગરમાં રહેતી ૨૫ વર્ષની કિરણબેન અજયભાઇ પટેલ ગઇકાલે બપોરે ચાર વાગ્યે બાઇક પર બેસીને જતા હતા. રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સ્લિપ થઇ જતા તેઓ રોડ પર પટકાતા જમણા પગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Tags :