ગુજરાતમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં દેશનું પહેલું ઓટો પ્લાન્ટ રેલવે સાઈડિંગ, PM મોદીએ કર્યું ઉદઘાટન
હાંસલપુર પ્લાન્ટમાં રેલવે સાઈડિંગથી કંપનીને પરિવહનનો 3.50 કરોડ લિટર ડીઝલનો ખર્ચ બચશે
Maruti's Gujarat plant: વડાપ્રધાન મોદી આજે (મંગળવારે) ગુજરાતના પ્રવાશે છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારૂતિ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટની અંદર આવેલા રેલવે સાઈડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. હાંસલપુરમાં દેશનું પહેલું ઓટો ઉત્પાદકના પ્લાન્ટની અંદર આવેલી પહેલી રેલવે સાઈડિંગ છે. આ વ્યવસ્થામાં સુઝુકી મોટર ગુજરાત વર્ષે ત્રણ લાખ કાર સીધી જ રેલવે દ્વારા દેશભરમાં 15 બજારોમાં સીધી પહોંચાડી શકશે. જેનાથી ટ્રકનો ઉપયોગ ઓછો થશે. ટ્રકના બદલે રેલવે થકી થનારા પરિવહનના કારણે વર્ષે 3.50 કરોડ લીટર ડીઝલનો વપરાશ ઘટશે.
ટ્રકના ઈંધણ અને કાર્બન ફૂટપ્રિન્ટનો બચાવ
મારૂતિ સુઝુકીના કોર્પોરેટ અફેર્સ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાહુલ ભારતીએ જણાવ્યું કે, 'વર્ષ 2013થી મારૂતિ પાસે ઓટોમોબાઈલ ફ્લાઈટ ટ્રેન ઓપરેટરનું લાયસન્સ છે અને તે અત્યારે પોતાની માલિકીની ત્રણ રેક (રેલવે વેગન) અને બીજા ખાનગી 37 રેક થકી હરિયાણા અને ગુજરાતના પ્લાન્ટનું ઉત્પાદન રેલવે મારફત દેશભરમાં નિકાસ માટે પોર્ટમાં મોકલી રહ્યું છે. ટ્રેન દ્વારા વહન ડીલર કે વેરહાઉસ સુધી પહોંચાડે તો ટ્રક, ટ્રકના ઈંધણ અને કાર્બન ફૂટપ્રિન્ટનો બચાવ થાય છે.'
ત્રણ કંપનીઓએ ભેગા મળી રેલવે સાઈડિંગ ઊભી કરી
આ સાઈડિગ માટે કુલ રૂપિયા 976 કરોડના ખર્ચે બનેલી આ રેલવે વ્યવસ્થા થકી મારૂતિ પોતના અહીં પ્રોડક્શન થતું હોય તેવી કારનું સીધા રેલવે રેકમાં ભરી તે દેશના 15 લોકેશન ઉપર મોકલી શકાશે. ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલયની જી રાઈડ કંપની, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) અને સુઝુકી મોટર ગુજરાત એમ ત્રણ કંપનીઓએ ભેગા મળી આ રેલવે સાઈડિંગ ઊભી કરી છે. સુઝુકીએ આ વ્યવસ્થા ઊભી કરવા બેચરાજીથી પ્લાન્ટના લોકેશન સુધી ખાનગી લાઈન, પ્લેટફોર્મ માટે રૂ. 359 કરોડનું રોકાણ કર્યું છે. બાકીનું રોકાણ જીરાઈડ અને જીઆઈડીસીએ કર્યું છે.
3.5 કરોડ લીટર ડીઝલનો વપરાશ ઘટશે
ડીઝલના વપરાશને લઈને રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે, 'રેલવે થકી વેચાણ કરવાથી રોડ ઉપર વાહનનો ભાર ઘટે છે, ઈંધણની બચત થતી હોવાથી પર્યાવરણને નુકસાન પણ ઘટે છે. ગુજરાતની રેલવે સાઈડિંગ પૂર્ણ કક્ષાએ એટલે એ વર્ષે ત્રણ લાખ ગાડીઓને વિતરણે પહોંચશે ત્યારે લગભગ 3.5 કરોડ લીટર ડિઝલનો વપરાશ ઘટશે અને વર્ષે 1650 ટન કાર્બન ઈમીશનમાં ઘટાડો થશે, કંપનીને પોતાની કાર બજાર સુધી પહોંચાડવા માટે 50,000 જેટલા ટ્રકના ફેર પણ બચી જશે. અત્યારે ગુજરાત અને દિલ્હીના રેલવે ટર્મિનલથી બેંગ્લોર, નાગપુર, મુંબઈ, ગુવાહાટી, ઈન્દોર, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, સિલીગુડી, કોઇમ્બતુર, પુણે, અગરતલા, સિલચર, રાંચી અને લુધિયાણામાં કાર પહોચાડવામાં આવે છે. આ ઉપરાંત, મુન્દ્રા અને પીપાવાવ પોર્ટ ઉપર નિકાસ માટે પણ રેલવેનો ઉપયોગ કરવામાં આવે છે.'
હાંસલપુર પ્લાન્ટમાં 30 લાખ કાર બની
ફેબ્રુઆરી 2017માં મારૂતિ સુઝુકીએ હાંસલપુર પ્લાન્ટની શરૂઆત કરી હતી અને અત્યારે ત્રણ એસેમ્બલી લાઈન્સમાં કુલ 7.5 લાખ ગાડીઓનું વાર્ષિક ઉત્પાદ થાય છે. કંપનીએ હાંસલપુર પ્લાન્ટમાં કુલ 30 લાખ કારનું ઉત્પાદન કર્યું હતું. પહેલા 10 લાખ કાર માટે 45 મહિના, બીજી 10 લાખ માટે 25 અને ત્રીજી 10 લાખ કાર માટે કંપનીને 17 મહિના લાગ્યા હતા. જે દર્શાવે છે કે કંપની કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે.
સુઝુકી ગ્લોબલની 23 ટકા કાર હાંસલપુર પ્લાન્ટમાં બને છે
જાપાનની કંપની સુઝુકી માટે ભારત સૌથી મોટું બજાર છે. વિશ્વની બજારમાં સુઝુકીએ 2023માં 32 લાખ કારનું ઉત્પાદન અને વેચાણ કર્યું હતું. એમાંથી 7.5 લાખ કે 23.4 ટકા કારનું વેચાણ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં થયું હતું.
મારૂતિ સુઝુકીની નિકાસમાં ગુજરાતનો 50 ટકા ભાગ
મારૂતિ સુઝુકી ભારતમાં કાર બનાવી તેની નિકાસ પણ કરે છે. કંપની દ્વારા થતી કુલ નિકાસમાંથી હાંસલપુર પ્લાન્ટનો ભાગ 50 ટકા જેટલો છે. હાંસલપુર પ્લાન્ટમાં સુઝુકી બલેનો, સ્વીફ્ટ, ડીઝાયર, ફ્રોન્ક્સ અને ટુર એસ એમ પાંચ મોડેલ બનાવે છે. કંપનીનો પ્લાન્ટ અત્યારે પૂર્ણ કક્ષાએ ચાલી રહ્યો છે અને તેમાં 3200 લોકો કામ કરી રહ્યા છે. ઉપરાંત કંપનીને માલ સપ્લાય કરતા 90 એકમો ગુજરાતમાં કાર્યરત છે અને અન્ય મળી લગભગ એક લાખ લોકોને રોજગારી મળી રહી હોવાનો કંપનીએ દાવો કર્યો હતો.