તળાજાના માંડવા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડો, 1470 લીટર દારૂ ઝડપાયો
- ભાવનગર શહેરના કુંભારવાડા બાદ જિલ્લાના માંડવા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
- ભઠ્ઠી પરથી રૂ. 2.94 લાખની કિંમતના દેશી દારૂ સહિત કુલ રૂ. 4.32 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, અલંગ પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ભાવનગર : સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ જાણે ભાવનગરમાં છાવણી નાખી બેઠી હોય તેમ શહેરના કુંભારવાડા વિસ્તારના રહેણાંકી મકાનમાંથી ૧૪૬૦ લીટર દેશી દારૂ ઝડપાયાના બે દિવસ બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે અને જિલ્લાના તળાજા તાલુકાના માંડવા ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં આજે વહેલી સવારે રેઈડ કરી ૧૪૭૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૪.૩૨ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ અલંગ પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
ભાવનગર શહેરના કુંભારવાડા નારીરોડ અવેડા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરના રહેણાંકી મકાનમાં ગત બુધવારની મધ્ય રાત્રીએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી ૧૪૬૦ લીટર દેશીદારૂ સહિત ૩.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કુલ સાત શખ્સો વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. આ બનાવના બે દિવસ બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે. જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે રહેતા પ્રદિપ જગદીશસિંહ ગોહિલ માંડવા ગામની સીમમાં હાજુ તળાવ વિસ્તારમાં રવિન્દ્ર ઉર્ફે બંદુબાપુ વજુભાઈ ગોહિલની વાડીની બાજુમાં સરકારી ખરાબામાં માંડવાથી કંટાળા જતા રોડ પર ડાબી સાઈડે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે આજે વહેલી સવારે ૬.૩૦ કલાકના અરસામાં રેઈડ કરી રૂ.૨.૯૪ લાખની કિંમતનો ૧૪૭૦ લીટર દેશી દારૂ, ૩૫૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો વૉશ, ૩૯૭૫ કિલો ગોળ, ૧૦૦ મણ લાકડા મળી કુલ રૂ.૪,૩૨,૦૫૦ની કિંમતનો મુદ્દામાલ સાથે નિતિન જયંતીભાઈ પરમાર અને વલ્લભ ઉર્ફે નાનુ મનાભાઈ પરમાર (બન્ને રહે.ખદરપર, તા.તળાજા)ને ઝડપી લઈ પુછપરછ કરતા કબુલાત આપી હતી કે, આ ભઠ્ઠી પ્રદિપ ગોહિલ ચલાવતો હતો અને ભઠ્ઠીનો તમામ વહીવટ ચલાવવા તેણે દિપક નામનો માણસ રાખેલો હતો. પ્રદિપ બે ત્રણ દિવસ ક્યારેક ક્યારેક આટો મારવા આવે છે. તેમજ ભઠ્ઠી ચલાવવા માટે બાજુની બંદુભાની વાડીમાંથી પાણી અને લાઈટનું કનેક્શન લીધુ હોવાનું જણાવેલું હતુ. તેમજ પોતે બન્ને અહીં છેલ્લા આઠ દિવસથી પ્રતિદિન રૂ.૪૦૦ લેખે મજુરી કામ કરતા હતા. તેઓ બન્ને દારૂ ઉકાળીને બાજુમાં આવેલી રવિન્દ્ર ઉર્ફે બંદુબાપુની વાડીની ઓરડીમાં આવેલી ટાંકીમાં ભેગો કરતા હતા અને તે દારૂ દિપક નામનો માણસ તૈયાર દેશી દારૂ બોલેરો ગાડીથી સપ્લાય કરતો હોવાની કબુલાત આપતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલંગ પોલીસ મથકમાં નિતિન જયંતીભાઈ પરમાર, નાનુ મનાભાઈ પરમાર (બન્ને રહે. ખદરપર), પ્રદિપ જગદીશસિંહ ગોહિલ (રહે.ભારોલી), દિપક (રહે. ખદરપર) અને રવિન્દ્ર ઉર્ફે બંદુબાપુ વજુભા ગોહિલ (રહે.માંડવા) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અલંગ અને બોરતળાવ પોલીસ મથકમાં કર્મચારીઓની બદલી
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે અલંગ પોલીસ તાબેના માંડવા ગામના સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસવડાએ અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કોન્સ્ટેબલની પોલીસ હેડક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે.