દાહોદમાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ : કોંગ્રેસની વિજિલન્સ તપાસની માંગ
MNREGA Scam in Dahod : દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેનો એક દાખલો ફરિયાદ લઈને રાજ્યના મંત્રીના પોતાના વિસ્તારના, દેવગઢ બારિયાના સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે 'બધા જ લોકોએ એફિડેવિટ કરી, સોગંધનામું રજૂ કરીને પોતાની રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જીલ્લાના દેવગઢ વરિયા તાલુકામાં 100 કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે. આ મામલે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે.
કેવી રીતે થયો ભ્રષ્ટાચાર ?
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના કુવા ગામે એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવે છે. જેની અંદાજિત લંબાઈ ૧૭ કિ.મી. જેટલી છે. એ જ રીતે બીજા રેઢાણા ગામમાં 33 રસ્તા મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજિત લંબાઈ 13 કિ.મી. છે. આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
અમિત ચાવડાના આક્ષેપ મુજબ એફિડેવિટમાં રજૂ કર્યા મુજબ લગભગ 47 લાખના કામો છે. જેમાં કામ મંજૂર કરવામાં આવે છે, પણ સ્થળ ઉપર એક પણ રૂપિયાનું કામ થતું નથી. બારોબર બીલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે, અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચાર અટકતો નથી. ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈપણ કડક કાર્યવાહી થતી નથી કારણે ત્યાં સ્થાનિક મંત્રીના આર્શીવાદથી ભ્રષ્ટાચાર ચાલે છે, એવો સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે.
કયા કયા કામોમાં થયો છે ભ્રષ્ટાચાર
આક્ષેપ મુજબ ચેક ડેમના કામો, માટી મેટલ, રસ્તાના કામો, તળાવ ઊંડા કરવાના કામો, નહેરોની સુધારણાના કામો, હેન્ડપંપ અને બોરના કામો, આ બધા કામોમાં ત્રણ એજન્સીઓ મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ લે છે. એમાં 1. રાજ ટ્રેડર્સ, 2. રાજ કન્સ્ટ્રકશન, 3. એન. જે. એન્ટરપ્રાઇઝ, આ ત્રણેય એજન્સીઓના વહીવટકર્તાઓ અને માલિક છે. જેની તપાસ કરીએ તો મંત્રીના અંગત, નજીકના, પરિવારના લોકો છે.
સ્થાનિક લોકોએ એફિડેવિટ દ્વારા કહ્યું છે કે આ ત્રણ એજન્સીઓના નામે બીલ બને છે, આ ત્રણ એજન્સી સ્થળ ઉપર એકપણ રૂપિયાનું કામ કર્યા સિવાય બારોબાર પૈસા ઉપાડી લે છે. જયારે એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે, આખી સરકાર તેમાં સામેલ હોવાને કારણે કોઈપણ જાતના પગલાં લેવાતા નથી.
કોંગ્રેસની વિજિલન્સ તપાસની માંગણી
સરકાર પાસે કોંગ્રેસે માંગણી કરી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે. આખા દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે. તે અંગે વારંવાર પુરાવાઓ સાથે રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી થઈ નથી. તે તમામ કામોની, એસ.આઇ.ટી. બનાવીને વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ.
કોંગ્રેસ પક્ષ તરફથી પણ જે કામો કર્યા સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેની તપાસ કરવા માટે કમિટી બનાવીને મોકલવામાં આવશે અને સરકાર તપાસ નહીં કરે તો બિનરાજકીય રીતે સામાજિક સંગઠનોને જોડીને તપાસ કરાવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે.