સખી મંડળ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર , સુરત પાલિકાના મહિલા અધિકારીએ નવરાત્રી મેળામાં મફત ખરીદી કરી વિભાગ મારફતે પૈસા ચૂકવ્યા
Surat : સુરત પાલિકા દ્વારા નવરાત્રી મેળામાં પાલિકાના મહિલા અધિકારી દ્વારા સખી મંડળના સ્ટોલ પરથી કપડાં લઈ પૈસા ન આપવાની મ્યુનિ. કમિશ્નરને થયેલી ફરિયાદ બાદ મહિલા અધિકારીએ વિભાગ મારફતે સખી મંડળની મહિલાને પૈસા ચૂકવી દીધા હતા. જોકે, આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હવે મહિલા અધિકારી દ્વારા ભૂતકાળમાં કરેલી હરકતની ચર્ચા પાલિકાના વર્તુળમાં થઈ રહી છે. જેમાં એરપોર્ટ પર સખી મંડળના સ્ટોલ પરથી લીધેલા પટોળા અને ચેકીંગના બહાને લીધેલી રાખડીના કિસ્સાની પણ થઈ રહી છે ચર્ચા જોરશોરમાં થઈ રહી છે. મહિલા અધિકારીનીને કરતૂતની એક બાદ એક વિગત ચર્ચામાં આવી રહી છે પરંતુ હજી સુધી કોઈએ લેખિતમાં ફરિયાદ કરી ન હોવાથી મહિલા અધિકારીને વાળ પણ વાંકો થતો નથી. જોકે, આ નવરાત્રીના કપડાની સીધી મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ બાદ કોઈ પગલાં ભરવામાં આવે છે કે નહીં તે અંગે અનેક અટકળો શરૂ થઈ છે.
પાલિકાના અઠવા ઝોનમાં એક મહિલાના સ્ટોલ પરથી પાલિકાના એક મહિલા અધિકારીએ નવરાત્રી માટે કપડા લીધા હતા. પણ મહિલા અધિકારીએ પૈસા ન આપતાં સ્ટોલ ધારક મહિલાએ પૈસા માટે ઉઘરાણી કરી હતી. પૈસા નહીં મળતા સ્ટોલ ધારક મહિલાએ પાલિકા કમિશનરને સીધી ફરિયાદ કરી હતી. જેના કારણે મહિલા અધિકારીએ કપડાં ટ્રાયલમાં લીધા હોવાનો લુલો બચાવ કર્યો હતો. ત્યાર બાદ મ્યુનિ. કમિશ્નરે સમગ્ર મામલાની
ડેપ્યુટી કમિશનર વિગત જાણવાની સુચના આપતા નાના માણસો પાસે મફતમાં વસ્તુ પડાવી લેવાના ટેવ ધરાવતા મહિલા અધિકારીએ વિભાગને મોકલીને તાત્કાલિક મહિલાને ચુકવણું કરી દીધું હતું. જો અધિકારીએ ટ્રાયલ માટે કપડા લીધા હોય તો પૈસાનું ચુકવણું શા માટે કરવામા આવ્યું તે પણ મુદ્દો બહાર આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ મીડિયામાં જાહેર થયા બાદ સુરત પાલિકા દ્વારા ચલાવવામાં આવતા સખી મંડળ તથા યુસીડી વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયાં છે. એવી ચચા થઈ રહી છે કે આ તો એક માત્ર મહિલા સ્ટોલ ધારકની ફરિયાદ છે, પરંતુ અન્ય મહિલાઓ સાથે આ પ્રકારની હરકત થઈ છે કે નહીં તેની તપાસ કરવા માટેની માંગણી થઈ રહી છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ મહિલા અધિકારીએ ભુતકાળમાં એરપોર્ટ પર સખી મંડળના સ્ટોલમાંથી એક પટોળા લઈ લીધું હતું તે અંગે પણ ફરિયાદ થઈ હતી પરંતુ દબાવી દેવામાં આવી હતી. આ સાથે રાખી મેળા દરમિયાન ચેકીંગ ના બહાને મોંઘી રાખડી પણ ઉચકી લેવામાં આવતી હોવાની પણ ફરિયાદ પણ બહાર આવી રહી છે.
જોકે, આવી અનેક ચર્ચાઓ થઈ રહી છે પરંતુ એક પણ લેખિત ફરિયાદ નથી તેથી તેના કારણે અનેક વખત આ મહિલા અધિકારીને બચાવી લેવામાં આવે છે. નવરાત્રીના કપડાના કિસ્સામા વધુ એક વાર આવું જ થયું છે વિભાગ દ્વારા ચુકવણી કરી દેવામાં આવી છે અને લેખિતમાં ફરિયાદ ન થાય તે માટે પ્રેશર થઈ રહ્યું છે. જોકે, આ ફરિયાદ સીધી મ્યુનિ. કમિશ્નરને થઈ છે અને મ્યુનિ. કમિશ્નરે પણ યુસીડી વિભાગમાં ચાલતી લાલિયાવાડી અને કૌભાંડની ગંધ આવી ગઈ છે પરંતુ તેઓ કોઈ પગલાં ભરે છે કે કેમ તે હવે આવનારો સમય જ બતાવશે.
કોવિડ વખતે ખીચડી કૌભાંડમાં પણ મહિલા અધિકારીની ભુમિકા શંકાના દાયરામાં હતી
સુરતમાં આવેલા કોરોના દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકોને હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાલિકાની કામગીરી ઘણી સારી હતી પરંતુ પાલિકાના કેટલાક વિભાગે આ મહામારીમાં પણ કમાઈ લેવાની વૃત્તિ અપનાવી હતી. જેમાં ખીચડી કૌભાંડ પણ એક કૌભાંડ હતુ કોવિડ વખતે ખીચડી કૌભાંડમાં પણ મહિલા અધિકારીની ભૂમિકા શંકાના દાયરામાં હતી. પરંતુ લેખિતમાં ફરિયાદ ન થતા અધિકારીઓને બચાવી લેવાયા હતા.
પહેલા કોવિડ દરમિયાન શ્રમિકો માટે ખીચડી આપવામાં પણ મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું. અનેક સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી ત્યાર બાદ તેના બિલ મંજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન ખીચડીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ બહાર આવી હતી. તેમાં કેટલાક અધિકારીઓને જવાબદારી પણ બહાર આવી હતી.
આ મુદ્દે ભારે હોબાળો થયા બાદ અધિકારીઓને બચાવવા માટે કૌભાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. આ કિસ્સામાં મહિલા અધિકારીની સંડોવણી હોવાનું પણ ચર્ચાયું હતું. પરંતુ કેટલાક મોટા અધિકારીએ ઢાંક પીછોડ કરીને મહિલા અધિકારીને બચાવી લીધી હતી. જો તે સમયે લેખિત ફરિયાદ થઈ હોત તો આજે ગરીબ મહિલાઓની પરસેવાની કમાણી લેવાની વૃત્તિ બંધ થઈ ગઈ હોત.
સખી મંડળ અન્યની પ્રોડેક્ટ વેચતા હોવાથી કાયદેસર ગુનો કરે છે
સુરત પાલિકા વિસ્તારમાં સખી મંડળ દ્વારા બનાવેલી વસ્તુના વેચાણ માટે પ્રમોશન અને પ્લેટફોર્મ આપવામાં આવે છે. પરંતુ આ સખી મંડળ પોતે બધું વસ્તુ બનાવી શકતા ન હોવાથી અન્ય લોકો પાસેથી વસ્તુ લાવે છે અને તેને કમીશન પર વેંચે છે. આ કાયદેસર ન હોવાનો ફાયદો ઉઠાવી પાલિકાના અધિકારીઓ આવી મહિલાઓ પાસે સામાન કે અન્ય લાભ લે છે. પોતે ભુલમાં હોવાથી મહિલાઓ ફરિયાદ કરી શકતી નથી તેથી અધિકારીઓ બેફામ બનીને આ મહિલાઓ પાસે અનેક વસ્તુ લઈ જતા હોવાની ફરિયાદ છે. સુરતના એરપોર્ટ પર સ્ટોલ છે તેમાં પણ પટોળા વેચાણની પણ આવી જ હાલત છે. સખી મંડળ પટોળા બનાવતું નથી પરંતુ અન્યની પ્રોડેક્ટ પોતાના સ્ટોલ પર મુકી કમિશનથી વેચાણ કરે છે. સખી મંડળની આ મજબૂરીનો લાભ ઉઠાવી પટોળા પડાવી લેવાયું હતું અને તેના કારણે જ ફરિયાદ થઈ ન હતી. જોકે, આ કિસ્સો બહાર આવતા અનેક સખી મંડળોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું નથી તેનો સીધો ફાયદો અધિકારીઓ ઉઠાવી રહ્યાં છે.