ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં રસ્તા બનાવવામાં બેફામ ભ્રષ્ટાચાર, નવોનક્કોર રસ્તો બંને બાજુ ધસી પડ્યો
Corruption In Road Construction: ગાંધીનગર મહા નગરપાલિકાના ઝુંડાલના વોર્ડ નંબર 11માં પ્રિ મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય તેના ઉત્તમ ઉદાહરણ ઠેરઠેર જોવા મળતા મોટા ભૂવા અને તૂટી ગયેલા રસ્તા છે. તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના લીધે સમગ્ર વિસ્તારના લોકો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં 100થી પણ વધુ સોસાયટી આવેલી છે, જેથી હજારો લોકોને તૂટેલા રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખૂલી ગઈ છે, પરંતુ તેમના પેટનું પાણી પણ હલતું નથી.
ચાંદખેડામાં ગાંઠિયા રથથી ત્રાગડ સુધીનો રસ્તો બનાવવાની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હતી. આમને આમ છ મહિનાથી પણ વધુનો સમય વીતી ગયો. આમ છ મહિના સુધી પારાવાર મુશ્કેલીનો સામનો કર્યા પછી સ્થાનિકોને સારો રસ્તો મળ્યાનો આનંદ થયો હતો. જો કે એક મહિના પહેલા પૂરા થયેલા આ રસ્તા પર તો આખી કાર સમાઇ જાય એટલા મોટા ગાબડાં જોઇને રહીશોની આશા પર પાણી ફરી વળ્યું છે. માત્ર દોઢેક કિલોમીટરના રસ્તામાં પણ દર 100 મીટરે આ રસ્તો બંને બાજુ ધસી પડ્યો છે. ઠેર ઠેર ગાબડાં જોવા મળી રહ્યા છે અને છતાં સ્થાનિક તંત્ર ઘોર નિદ્રામાં છે.
તૂટેલા રસ્તાના કારણે સ્કૂલે જતા બાળકોને પણ જોખમ
આ રસ્તા પર બે મોટી સ્કૂલ અને છ જેટલી પ્રિ સ્કૂલો પણ આવેલી છે. અહીં આસપાસના વિસ્તારોમાં આવેલી સ્કૂલોની બસની અવરજવર પણ રહે છે. જેના લીધે ભગવાન ન કરે અને કોઇ મોટો અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિકો પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ, સ્થાનિકો દ્વારા સતત ફરિયાદ કરાતા તંત્ર રસ્તા પર પડેલા ખાડામાં માટી પૂરાવીને સંતોષ માની લે છે. સ્થાનિકોનો આરોપ છે કે, તંત્રના જ કેટલાક અધિકારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
રિંગ રોડ નજીકના વિસ્તારમાં પણ પાયાની સુવિધા નહીં
ગાંધીનગર મહા નગરપાલિકા (જીએમસી) વિસ્તારમાં આવેલા ન્યૂ ચાંદખેડામાં કોઇ મોટો અકસ્માત સર્જાય તેની તંત્ર દ્વારા રાહ જોવાઇ રહી હોય એવું લાગી રહ્યું છે. આ વિસ્તારના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ એકવાર પણ અહીંની મુલાકાત લીધી નથી. આ વિસ્તાર રિંગ રોડને અડીને આવેલો હોવાથી સતત વિકાસ થઇ રહ્યો છે અને રહીશો ટેક્સના નામે નાણાં ચૂકવે છે. આમ છતાં તેઓ પાયાની સુવિધાથી વંચિત છે.
ક્ષારવાળા પાણીની સમસ્યાથી પણ લોકોને હાલાકી
આ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ક્ષારવાળા પાણીની પણ મોટી સમસ્યા છે. આ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હોવા છતાં આજ દિન સુધી આ વિસ્તારના લોકોને શુદ્ધ પાણી નસીબ નથી. બોરવેલનું ખારું પાણી સોસાયટીના રહીશોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યું છે. આ વિસ્તાર ગાંધીનગરનો છેલ્લો પ્લોટ હોવાથી તંત્ર અને સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે.