ભ્રષ્ટ અધિકારીઓ જ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને ડુબાડશે! મળતિયાના પ્રોજેક્ટ રાતોરાત પાસ, રોકાણકારોને ઠેંગો
(Photo - twitter/gujarattourism) |
નવા પ્રવાસન સ્થળોના વિકાસના નામે મીંડુ
ગુજરાતમાં નવા પ્રવાસન સ્થળોના વિકાસના નામે મીંડુ રહ્યુ છે પરિણામે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યુ છે. હાલ ભ્રષ્ટ અધિકારીઓને કારણે ગુજરાત ટુરિઝમનુ નામ બદનામ થઇ રહ્યુ છે.
પ્રોજેક્ટ અને બિલો મંજૂર કરીવા ખાયકી કરવામાં આવે છે
મળતિયાઓ સાથે ગોઠવણ પાડીને રાતોરાત પ્રોજેક્ટ અને બિલો મંજૂર કરીને ખાયકી કરવામાં આવી રહી છે. સાથે સાથે સસ્પેન્ડેડ અધિકારીને ચૂપચાપ જનરલ મેનેજરની પોસ્ટ પર નિમણૂક આપી દેવાતાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભ્રષ્ટ અધિકારી ભાગબટાઈ કરવા નવી નવી તરકીબ અજમાવે છે
એક તરફ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન પ્રવાસન ક્ષેત્રે રોકાણ કરવા ઇન્વેસ્ટરોને અપીલ કરી રહ્યુ છે. બીજી તરફ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં ભ્રષ્ટ અધિકારીઓ રોકાણકારોની ફાઈલો દબાવી રાખે છે. એમડી સહી કરતાં નથી તેમ કહી રોકાણકારોને ધરમધક્કા ખવડાવી રહ્યા છે. રોકાણકારો પ્રવાસનક્ષેત્રે નવા પ્રોજેક્ટો શરૂ કરી પ્રવાસીઓ આકર્ષાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આ ભ્રષ્ટ અધિકારી ભાગબટાઈ કરવા પેતરાં રચી રહ્યાં છે.
બિલો પાસ કરવા પ્રવાસનના નામે અવનની ઇવેન્ટ
જો કોઈ પ્રોજેક્ટ માટે ફાઈલ મૂકે તો મળતિયાને ફોન કરીને તે જ પ્રોજેક્ટની ફાઇલ મૂકી દેવાય છે અને ગોઠવણ પાડી નક્કી કરેલાં ભાવે ટેન્ડર પાસ કરી દેવામાં આવે છે. મળતિયા ઈવેન્ટ મેનેજરોને જલસાં પડ્યાં છે. બિલો પાસ કરવા પ્રવાસનના નામે અવનની ઇવેન્ટો ગોઠવી દેવાય છે. એ તો ઠીક, બિલો પણ રાતોરાત પાસ કરી દેવાય છે.
વિવાદાસ્પદ અને સસ્પેન્ડેડ અધિકારીને નરલ મેનેજર બનાવ્યા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતાં નિલેશ દુબેએ આદિવાસી સમાજ પ્રત્યે ટિપ્પણી કરતાં બબાલ થઈ હતી. કેવડિયા બંધનુ એલાન અપાયુ હતું. નિલેશ દુબેના પુતળા સળગાવાયા હતાં. ધારાસભ્ય ગણપત વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરી હતી તે વિવાદાસ્પદ અને સસ્પેન્ડેડ અધિકારી નિલેશ દુબેને રાતોરાત ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના જનરલ મેનેજર બનાવી દેવાયા છે.