PMJAY યોજના કે ‘કટકી યોજના’: ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓનાં ખિસ્સાં છલકાયાં!
Pradhan Mantri Jan Arogya Yojana: ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોમાં ઉમદા તબીબી સારવાર મળી રહે તે માટે પીએમજેવાયએ યોજના એ ગરીબ દર્દીઓ માટે આર્શિવાદરુપ સાબિત થઈ છે. પરંતુ આ યોજના કોર્પોરેટ હોસ્પિટલો માટે કમાણીની યોજના બની રહી છે તો ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓ માટે કટકી યોજના પુરવાર થઈ છે. પીએમજેવાયએ યોજના કૌભાંડનું આખુ ઠીકરું ભલે ડોક્ટરો-હોસ્પિટલ માલિકોના માથે ફોડવામાં આવ્યુ હોય પણ કડવી હકીકત એ પણ છે કે, ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓ પણ એટલા જવાબદાર છે.
આ આરોગ્યલક્ષી યોજના થકી આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા છલકાયાં છે. જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો, પીએમજેવાયએ યોજનાનું એપી સેન્ટર જ એનએચએમ ભવન હોઇ શકે છે.
મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોને બખ્ખાં!
અત્યારે પીએમજેવાયએ યોજના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલમાં કેવી સારવાર થાય છે? દર્દીઓ સંતુષ્ટ છે કે પછી લોલમલોલ ચાલી રહ્યુ છે તે કોઇ પૂછનાર જ નથી. તેનું કારણ એ છેકે, કરોડો રૂપિયા ફાળવતાં જ આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીને જાણે ફાવતુ ફાવ્યું છે. મફત સારવારને લીધે ગરીબ દર્દીઓ તો સારવારને લઇને બિલ્કુલ અજાણ છે. પરંતુ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોને તો બખ્ખાં થયા છે.
2024-25માં પીએમજેવાય માટે 3100 કરોડ રૂપિયા ફાળવાયા
ગાંધીનગરમાં નવા અને જૂના સચિવાલયમાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલના દલાલો-મેડીયેટરોએ જાણે અંડિગા જમાવ્યા છે. પીએમજેવાયએ યોજના હેઠળ ક્લેઇમ પાસ કરાવવા માટે દલાલો આંટાફેરા મારતાં હોય છે. આરોગ્ય વિભાગમાં તો પૈસા ફેંકો-તમાશા દેખો જેવો ઘાટ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે ગરીબ દર્દીઓને સારી આરોગ્ય સારવાર મળી રહે તે માટે પીએમજેવાયએ યોજના માટે કુલ મળીને 3100 કરોડ રૂપિયા ફાળવ્યાં છે.
ચર્ચા એવી છે કે, જો ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓના 5-10 ટકા કમિશન મળે તો લાખો-કરોડો રૂપિયા ખિસ્સામાં જાય. સરકાર જે હેતુથી સરકારી યોજના પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે તેનો છેવાડોના માનવી સુધી લાભ પહોંચે છે કે કેમ તે કોઇ જોનાર જ રહ્યુ નથી. આ કારણોસર ભ્રષ્ટ અધિકારીઓને મોકળુ મેદાન મળ્યુ છે. હોસ્પિટલ માલિકો-સંચાલકો અને ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓની મીલીભગત સિવાય આ કૌભાંડ શક્ય જ નથી.
દર્દીઓની જીવ સાથે રમત રમતી ખ્યાતિ-ભાગ્યોદય જેવી હોસ્પિટલોને ગણતરીની મિનીટોમાં સર્જરી-પ્રોસિજર માટેની મંજૂરી મળી જાય, દર્દીના રોગની સારવારનો ક્લેઇમ પણ ગણતરીના દિવસોમાં પાસ થઈ જાય. આ બધુ જ પ્રસ્થાપિત કરે છે કે, ક્યાંને ક્યાં, મીલીભગત છે.
હોસ્પિટલોમાં રાજનેતા-બિલ્ડરો, ફાર્મસી કંપનીઓનું રોકાણ
આજે ગુજરાતમાં મોટાભાગની હોસ્પિટલોમાં રાજનેતા-બિલ્ડરો, ફાર્મસી કંપનીઓનું રોકાણ છે ત્યારે આ હોસ્પિટલના છેડા છેક ગાંધીનગર સાથે જોડાયેલાં છે જેથી ગરીબ દર્દીઓના નામે પીએમજેવાયએ યોજનામાં લોલંલોલ ચાલી રહ્યું છે. આ જોતાં ખ્યાતિ કાંડમાં પીડીત પરિવારોને ન્યાય મળે તેવી આશા રાખવી વ્યર્થ છે. સમય જતાં આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવાશે.