કોર્પોરેશનનું ૧,૭૪૪ કરોડનું ડ્રાફ્ટ બજેટ
સફાઇ વેરામાં ૧૦૦ ટકા અને મિલકત વેરામાં આંશિક વધારા સાથે
વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ગતવર્ષની સરખામણીએ ૪૮૪ કરોડનો વધારોઃ વિકાસ કામો પાછળ ૧,૩૦૯ કરોડની જોગવાઇ
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટઅંદાજપત્ર મ્યુનિ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.સફાઇ વેરામાં ૧૦૦ ટકા અને મિલકત વેરામાં આંશિક વધારા સાથે ગત વર્ષની સરખામણીએ ૪૮૪ કરોડના વધારા સાથે ૭૪.૩૪ કરોડની પુરાંતવાળું ૧,૭૪૪ કરોડ રૃપિયાનું બજેટ રહેવા પામ્યું છે. જેમાં ગાંધીનગરના નવા અને જુના વિસ્તારોમાં વિવિધ વિકાસ કામો પાછળ ૧,૩૦૯ કરોડ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. હવે સ્થાયી સમિતિ દ્વારા આ બજેટનો અભ્યાસ કરીને તેમાં સુધારા વધારા સુચવીને મંજુરી અર્થે મોકલી આપવામાં આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાનું ૧૪મું સામાન્ય
બજેટ આજે મ્યુ. કમિશનર જે.એન.વાઘેલા
દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. સવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં
કમિશનરે વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટ અને વર્ષ ૨૦૨૪-૨૫ના રીવાઇઝ અંદાજપત્રોને રજુ કરતા
જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ
ગુજરાત ૨૦૨૬ની પૂર્વ તૈયારી તેમજ વર્ષ ૨૦૩૬ના ઓલમ્પિકના યજમાનના દાવા તથા ટ્વીન
સિટીના બદલે ટ્રાઇસિટીના અભિગમ સામે બજેટ રજુ કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર, ગિફ્ટસિટીને
કારણે ગાંધીનગર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું યજમાન થતું રહ્યું છે
ત્યારે દેશ વિદેશના મહાનુભાવો ગાંધીનગર શહેરની મુલાકાતે આવતા હોવાથી આંતરમાળખાકીય
સુવિધા સફાઇ અને લેન્ડ સ્કેપીંગ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના હોવાના જરૃરી છે. જેથી આ
બજેટમાં આંતરરાષ્ટ્રીયકક્ષાની સુવિધા ઉપર ભાર મુકવામાં આવ્યો છે.ત્યારે વર્ષ
૨૦૨૫-૨૬ના આ ડ્રાફ્ટ બજેટમાં સામાજિક આંતરમાળખાકિય સુવિધા માટે ૨૮૭.૬૬ કરોડ, ભૌતિક
આંતરમાળખાકિય સુવિધા માટે ૭૮૩.૪૩ કરોડ,
શિક્ષણ માટે ૪૩.૭૧ કરોડ,
આરોગ્ય માટે ૪૪ કરોડ, સફાઇ માટે ૧૩૦ કરોડ જ્યારે આગવી ઓળખના કામો માટે ૨૩૯ કરોડ
તથા અન્ય કામો માટે ૨૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સફાઇમાં ૧૦૦ ટકા અને મિલકત વેરામાં આંશિક વધારા સાથે ૭૪.૩૪કરોડની પુરાંત સાથે વર્ષ ૨૦૨૫-૨૬નું ૧,૭૪૪.૨૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ૧,૩૦૯ કરોડ રૃપિયા વિવિધ વિસ્તારોના વિકાસ કામો પાછળ ખર્ચાશે તો ૭૩.૮૮ કરોડ રૃપિયા મહેકમ ખર્ચ, ૨૪ કરોડ ઇલેક્ટ્રીસીટી અને નિભાવ ખર્ચ અને ૧૩.૮૪ કરોડ રૃપિયા બગીચા નિભાવણી ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ઉપરાંત કંટીજન્સી ખર્ચ પેટે ૭૩.૬૯ કરોડની જોગવાઇ તથા નિભાવણી ખર્ચ તરીકે ૫૨.૩૪ કરોડની જોગવાઇ હાલ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે. આગામી સમયમાં હવે સ્થાયી સમિતિમાં આ ડ્રાફ્ટ બજેટમાં જરૃરી સુધારા વધારા સુચવવામાં આવશે અને ત્યાર બાદ આખરી બજેટ સામાન્ય સભામાં મંજુર અર્થે મુકવામાં આવશે.