વડોદરામાં ખટંબા નજીક ખુલ્લી જગ્યામાં ઢોર રાખવા માટેનું કોર્પોરેશનનું આયોજન
- એકાદ મહિનામાં વ્યવસ્થા ઊભી થઈ જશે
- હાલ ફેન્સીંગની કામગીરી ચાલુ
- શહેરમાં આવા આઠ સ્થળે ઢોર રાખવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ઉભી કરાશે
વડોદરા, તા. 15 નવેમ્બર 2021 સોમવાર
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી તેજ બનાવાઇ છે. એમાંય પ્રદેશ ભાજપ પ્રમુખની રખડતા ઢોર પ્રશ્ને ટકોર કરાયા બાદ તંત્ર વધુ સક્રિય બન્યું છે. વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડીને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં પૂરી દેવામાં આવે છે. આમ છતાં ઢોર ડબ્બાની ક્ષમતા ઓછી પડે છે.
કોર્પોરેશને ખટંબા નજીક કેટલ શેડ ઉભું કર્યું છે તેની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઢોર રાખવા માટેનું આયોજન હાથ ધરાયું છે. વડોદરામાં આવી 8 જગ્યા પસંદ કરવામાં આવશે ખટંબા કેટલશેડની નજીકમાં અગાઉ કલેકટર દ્વારા જગ્યા ફાળવાઈ હતી. જેનું અત્યાર સુધી કોઈ ઉપયોગ થતો ન હતો. હાલ 80 હજાર ચોરસ ફુટ જગ્યા ફરતે ફેન્સીંગ કરવાની કામગીરી ચાલી રહી છે.
સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું છે કે એકાદ મહિનામાં અહીં ઢોર રાખવા માટેની વ્યવસ્થા ઉભી થઈ શકશે. અહીં લાઈટની તથા પાણીની પણ વ્યવસ્થા કરાશે અને ઘાસચારો મળે તેવી પણ વ્યવસ્થા થશે. આ માટે ગોપાલકો અને ગૌરક્ષા સમિતિ ની મદદ લેવાશે અને ગૌદાન માટે અપીલનું વિચારવામાં આવશે.
ખટંબા નજીકના પ્લોટમાં શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના ગોપાલકોને ત્યાં ઢોર રાખવાની વ્યવસ્થા નથી તે અહીં રાખી શકશે. જેથી તેને શહેરમાં છોડવાનો વારો નહીં આવે. ઢોર અહીં જ રહેશે અને તેને દોહવા વગેરેની કામગીરી ઢોરના માલિકો જ સંભાળશે. કોર્પોરેશને કલેક્ટર પાસે ઢોર રાખવા માટે જગ્યા માગી છે. આ માટે તેઓએ લગભગ 15 જગ્યા શોધી છે. જેમાંથી જગ્યા ફાઇનલ કરવામાં આવશે.
ખટંબા નજીક હાલ જે વ્યવસ્થા ઉભી થઈ રહી છે, ત્યાં એક હજારથી વધુ ઢોર રાખી શકાશે. એકાદ મહિનામાં આ વ્યવસ્થાનું લોકાર્પણ કરવાનું વિચાર્યું છે. આ પ્રકારે વ્યવસ્થા ઉભી કરવાથી શહેરમાં રખડતા ઢોરની જે સમસ્યા છે તેમાંથી મુક્તિ મળી શકશે તેમ માનવું છે.