વિશ્વામિત્રી પ્રોજેક્ટને મંજૂરી આપવા કોર્પોરેશનની તા. 24મીએ ખાસ સામાન્ય સભા બોલાવી
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ઓગસ્ટ મહિનામાં આવેલા પૂર બાદ હવે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે અને નદીમાં આવતા પુર પર કાયમી નિયંત્રણ અને નિરાકરણ સમિતિના નિર્ણયને મંજૂરી આપવા માટે વડોદરા કોર્પોરેશનની વિશેષ સામાન્ય સભા આગામી શુક્રવારે, તા. ૨૪મીએ બોલાવવામાં આવી છે. જેમાં તમામ વહીવટી કામગીરી કરવાની વહીવટી સત્તા પાલિકા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણને મંજૂરી આપવા માટે સર સયાજીરાવ સભા ગૃહ ખાતે મળશે.
ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં બે વાર પુર આવ્યું હતું અને શહેરનો મોટાભાગનો વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થયો હતો. આ અંગે શહેરીજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ અંગે વિશ્વામિત્રી નદીમાં કાયમી ધોરણે પૂર ન આવે અને તેના નિયંત્રણ અંગે ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના રિપોર્ટને મંજૂરી બાબતે તમામ વહીવટી સત્તા પાલિકા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ ને મંજૂરી આપવા માટે મહાનગરપાલિકાના તમામ સભાસદોની આગામી તા. ૨૪ શુક્રવારે ખાસ સામાન્ય સભા યોજવામાં આવી છે.
વડોદરા શહેરમાં ગત ચોમાસામાં આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા નવલા વાલા ની અધ્યક્ષતામાં તજજ્ઞોની એક સમિતિની રચના કરવામાં આવી હતી અને પૂરની પરિસ્થિતિમાં રાહત મળે તે પ્રમાણે નો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જે તાજેતરમાં મુખ્યમંત્રીને સુપ્રત કરાયો હતો તેની સાથે સાથે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવે સહિત તેમની ટીમ દ્વારા પાવાગઢ થી વડોદરા સુધીના વિસ્તારનો સર્વે કર્યો હતો જેમાં 22 થી વધુ બિસ્માર થઈ ગયેલા ચેકડેમ જણાઈ આવ્યા હતા સાથે સાથે ગામ તળાવો માં પણ માટીનું સેટીંગ થઈ ગયા નું જણાઈ આવતા હવે તળાવો ઊંડા કરવા તથા ચેકડેમ ની કામગીરી પણ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
પાવાગઢથી પીંગલવાડા સુધી વહેતી વિશ્વામિત્રી નદી માં પૂર આવતું રોકવા રાજ્ય સરકારે પ્રાથમિક તબક્કે રૂપિયા 1200 કરોડ નો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ હાલના અહેવાલ મુજબ રૂપિયા 3200 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે ત્યારે વડોદરા કોર્પોરેશનની હદમાં હરણીથી મુંજ મહુડા સુધીના વિસ્તાર ની કામગીરીમાં વિશ્વામિત્રી ઊંડી કરવાની અને વરસાદી કાંસ ની કામગીરી પાછળ ₹124 કરોડનો ખર્ચ થશે તે અંગે ના કામો પણ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા છે.