વડોદરામાં પૂર હવે ભૂતકાળની પરિસ્થિતિ બની જશે તેવો કોર્પોરેશનનો દાવો
Vadodara Corporation : વડોદરા શહેરમાં ગયા ચોમાસા દરમિયાન ત્રણ વખત પૂર આવ્યું હતું, એ પછી કોર્પોરેશનનું તંત્ર પૂર નિવારણ કામગીરીમાં લાગ્યું છે.
આજે આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડું કરવાની કામગીરી વખતે વડોદરાના મેયર દ્વારા જણાવાયું હતું કે વડોદરામાં હવે ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિ ભૂતકાળની પરિસ્થિતિ બની જાય તે દિશામાં યુદ્ધના ધોરણે 130 દિવસમાં કામગીરી કરવા આયોજન હાથ ધરાયું છે. તેમણે જણાવ્યું હતું કે હજુ થોડા દિવસો પહેલા જ સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદીના સંગમ સ્થળે દેણા ખાતે કોર્પોરેશનની જગ્યામાં બફર લેક બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બીજા 10 જેટલા બફર લેક પણ બનાવવામાં આવનાર છે. કોર્પોરેશનની હદ બહાર સિંચાઈ વિભાગ દ્વારા બફર લેક બનાવાશે. બીજી બાજુ વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાથી તેમજ તેના વળાંક સીધા કરવાથી પણ નદીમાં પાણીની વહન ક્ષમતામાં વધારો થશે.