પાર્કિંગ મુદ્દે હત્યા બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું: સરદાર ભવનની ગલીમાં 40થી વધુ દુકાનોને સીલ માર્યા

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
પાર્કિંગ મુદ્દે હત્યા બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું: સરદાર ભવનની ગલીમાં 40થી વધુ દુકાનોને સીલ માર્યા 1 - image


વડોદરા શહેરના સરદાર ભવનની ગલીમાં પાર્કિંગ મુદ્દે થયેલી હત્યા બાદ આજે કોર્પોરેશનના તંત્રએ સીલીંગની મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આજે અહીં આવેલી 40થી વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેશને સરકારી નિયમોના ભંગ હેઠળ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે વેપારીઓએ અગાઉ અમને નોટીસ કે કોઈ જાણકારી આપવામાં આવી નથી તેમ જણાવી થઈ રહેલી કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

શહેરમાં અનેક વિસ્તારમાં હાલ ફાયર સેફ્ટી, ફાયર એનઓસી અને પાર્કિંગ અંગે શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલો અને મોલ- મલ્ટિપ્લેક્સ ખાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યાં નિયમ ભંગ જણાય ત્યાં જરૂર પ્રમાણે નોટિસ અથવા સીલ મારવાની કાર્યવાહી સરકારી તંત્ર કરી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં અત્યાર સુધી 1000થી વધુ જગ્યાએ નોટિસ અથવા સીલ મારવાની કાર્યવાહી, ધાર્મિક સ્થળોને આવરી લઈ, કરવામાં આવી છે. આ વચ્ચે આજરોજ સરદાર ભવનના ખાચામાં પાલિકા તંત્રના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં આજના દિવસે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી 40થી વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અહીં 40થી વધુ અને અગાઉ પણ અહીંની કેટલીક દુકાનોને સીલ અથવા નોટિસ બજાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઘણી દુકાનોને સુચના આપી હોવા છતાં તેઓ ફાયર સેફટી, ફાયર એનઓસી કે પાર્કિંગની વ્યવસ્થા કરી શક્યા નથી. જેને ધ્યાનમાં લઇ આજે કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ એક વેપારીએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારી દુકાનમાં ગ્રાહકો હતા અને પાલિકાના અધિકારીઓ આવ્યા ત્યારે મેં જણાવ્યું હતું કે, દુકાનમાં ગ્રાહકો છે, મને અડધો કલાક આપી દો, પછી તમે કાર્યવાહી કરી શકો છો. તેમ છતાં ગ્રાહકોને દુકાનમાંથી બહાર કાઢી અધિકારીઓએ મારી દુકાનને સીલ મારી હતી. અગાઉ અધિકારીઓએ કે કોર્પોરેશનને અમને કોઈ નોટિસ આપી નથી. અન્ય વેપારીઓએ જણાવ્યું હતું કે, જે પરિસ્થિતિ સરદાર ભવનની ગલીમાં છે તેવું શહેરના ચાર દરવાજાથી માડી અનેક જગ્યાએ ઊભી થયેલી છે. પરંતુ તંત્ર હાલ એક જ જગ્યાએ કાર્યવાહી કેમ કરી રહ્યું છે? સમગ્ર કાર્યવાહી ટાણે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો અને અહીં લોકટોળા જામ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આજરોજ અકોટા વિસ્તારમાં આવેલ એક હોસ્પિટલ અને માંજલપુર આત્મીય વિદ્યાલય ખાતે ઇન્સ્પેક્શનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News