અંબાજીના ગાદીપતિ કોણ? જૂનાગઢના મહંત તનસુખગિરીને સમાધિ આપતા પહેલા જ વિવાદ
Junagadh Mahant Tansukhgiri : ગિરનાર ૫ર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બ્રહ્મલીન થયા છે. મહંત બ્રહ્મલીન થતાંની સાથે જ તેમના ઉત્તરાધિકારી કોણ? તેને લઈ મોટો વિવાદ સર્જાયો છે. અખાડા પરિષદના મહામંત્રી અને ભવનાથ મંદિરના મહંત હરીગિરી, ઇન્દ્રભારથીનું જૂથ અને કમંડળ કુંડ તથા ભૂતનાથના મહંત મહેશગિરી સામસામે થઈ ગયા છે. બ્રહ્મલીન મહંતની સમાધિ-પાલખી યાત્રાની તૈયારી ચાલતી હતી તેવા સમયે જ વિવાદ થતાં આશ્ચર્ય સર્જાયું હતું.
ભવનાથના મહંત હરિગિરી, ઈન્દ્રભારથીનું જૂથ અને કમંડળ કુંડના મહંત મહેશગિરી સામસામે
ગત મોડી રાત્રે અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુનું સારવાર બાદ હૉસ્પિટલમાં નિધન થયું હતું. સવારે ભીડભંજન ખાતે સમાધિ અને પાલખી યાત્રાની તૈયારી ચાલતી હતી તેવા સમયે હરિગિરી, ઇન્દ્રભારથી, મહેશગિરી સહિતના સંતો-મહંતો હાજર હતા. તનસુખગિરીના ખાસ શિષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈને હરીગિરીએ કહ્યું કે, તમે મને ફોનમાં જે વાત કીધી હતી તે જાહેરમાં બોલો, ત્યારે કિશોરભાઈ અને યોગેશભાઈએ કહ્યું કે રાજકોટની ગોકુલ હૉસ્પિટલમાં તનસુખગિરી બાપુની સારવાર ચાલતી હતી ત્યારે મહેશગિરી અને અન્ય સંતો આવી અમુક કાગળોમાં તનસુખગિરીના અંગુઠાના નિશાન લઈ રહ્યા હતા.
તેઓ ઉપરના રૂમમાં સૂતા હતા, તેમને અચાનક જાણ થઈ કે આઈસીયુ રૂમમાં કંઈક ગડબડ ચાલી રહી છે જેથી તે નીચે આવ્યા ત્યારે અંગુઠાના નિશાન લેવાઈ ગયા હતા. આ વાત દરમ્યાન હરીગિરી તેમને એક બાદ એક સવાલો પૂછી કોણ-કોણ હતું? તેવા સવાલો પૂછી રહ્યા હતા. આ સમયે મહેશગિરી કંઈપણ બોલ્યા નહીં. જ્યારે ઇન્દ્રભારથીએ મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું કે સત્ય શું છે, કોણે શું કર્યું છે તે અંગે સીસીટીવી સહિતની તપાસ કરશું.
આ સમગ્ર મામલે કમંડળ કુંડ, ભૂતનાથના મહંત મહેશગિરીએ સ્પષ્ટતા કરી છે કે, હું ગિરનારમાં વિરોધી તાકાત સામે સત્ય અને ધર્મ માટે લડું છું અને હજુ પણ લડવાનો છું. કિશોરભાઈ અને યોગેશભાઈના આક્ષેપ અંગે કહ્યું હતું કે, મેં તેમને બંનેને જાણ કરી, બોલાવી ડૉક્ટરો તથા સાક્ષીઓની રૂબરૂમાં તમામ પ્રક્રિયાઓ કરી છે અને તેમાં આ બંને હાજર હોય એવા તેમજ સમર્થન પણ આપતા હોવાના ઓડિયો-વીડિયો સહિતના પુરાવાઓ છે, તે આગામી સમયમાં જાહેર કરીશ.