વડોદરા કોર્પોરેશનની વર્ષ 2020-21માં હરાજીમાં વેચાણ થયેલા માંજલપુરના પ્લોટની દરખાસ્તથી વિવાદ
વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21 માં યોજાયેલી જાહેર હરાજી માં જમીન વેચાણમાં પૂરતી કાર્યવાહી નહીં થતાં જમીન ખરીદનાર પાસેથી વ્યાજની વસુલાત કરી જમીન આપવા અંગેની દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકના પ્લોટોની યોજાયેલી જાહેર હરાજીમાં ટીપી સ્કીમ ૧૯ (માંજલપુર) એફ.પી ૩૨૦ (પાર્ટ)વાળો પ્લોટ વેચાણ આપવા અંગેની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા હસ્તકના પ્લોટોની જાહેર હરાજીમાં સને ૨૦૨૦-૨૧માં ટીપી સ્કીમ નં. ૧૯ (માંજલપુર) ફાઇનલ પ્લોટ નં. ૩૨૦ (પાર્ટ)વાળો પ્લોટ વેચાણ આપવા અંગેના કિસ્સામાં દરખાસ્ત માં જણાવેલી વિગતોની જોગવાઈ, પેમેન્ટ ટર્મ્સની શરતો તથા જાહેર હરાજીની શરત નં. ૧૨ અને ૧૩માં જણાવેલ વેચાણ કિંમત ઉપર નિયમ અનુસાર વ્યાજ વસૂલ લઈને આ પ્લોટની કુલ વેચાણ કિંમત વસુલ આવ્યેથી તેનો વેચાણ દસ્તાવેજ કરી આપવા અંગે નિર્ણય થવા તથા આ કામ અંગે આગળની તમામ કાર્યવાહી કરવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.