મ્યુનિ.ના વિપક્ષ નેતાને ફાળવેલી ઇનોવા ગાડી પરત લઇ લેવાતા વિવાદ
- ગાડી આપ્યાના બીજા જ દિવસે રિપેરીંગ માટે કંપનીમાં મોકાલાયા બાદ પરત મ્યુનિ. કચેરીમાં આવી છતા આપી નહી
સુરત
સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાને ફાળવાયેલી ઇનોવા કાર રીપેરીંગમાં ગયા બાદ પરત નહીં આપવામાં આવતા અને અગાઉની જ સિયાઝ કાર ફાળવવામાં આવતા વિવાદ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક સહિતના નેતાઓ ઇનોવા કારનો ઉપયોગ કરે છે. જયારે વિરોધ પક્ષના નેતાને સિયાઝ કાર ફાળવવામાં આવી હતી. આ કાર ૨૦ મી સપ્ટેમ્બરના રોજ ફાળવ્યા બાદ બીજા જ દિવસે રીપેરીંગમાં કંપનીમાં આપવામાં આવી હતી. ત્યારબાદ કંપનીમાં દસ દિવસ સુધી રીપેરીંગ કામ ચાલ્યા બાદ પરત આવતા વડી કચેરી ખાતે મુકવામાં આવી હતી. આ કાર વિરોધ પક્ષના નેતાને પરત આપવામાં આવી ના હતી. તેમની અગાઉની કાર જ ફાળવાઇ હતી. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાએ આક્ષેપ કર્યા હતા કે જયારે ફાયર વિભાગમાં આ બાબતે પુછપરછ કરતા ત્યાંથી જવાબ મળ્યો હતો કે મેયર દ્વારા ઇનોવા કાર ફાળવવાની ના પાડવામાં આવી છે. આથી ભાજપના શાસકોની એકવાર મહિલા વિરોધી છાપ વધુ એક વખત ઉજાગર થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા ઝોનના વડાને સ્વીફટ કાર ફાળવાઇ છે. જયારે એક ઝોનના વડાને ઇનોવા કાર કયા ધોરણે ફાળવાઇ છે તે તપાસનો વિષય બન્યો છે.