કોર્પોરેશનને LED બોર્ડમાં ખોટના ધંધા: 10 કરોડના ખર્ચે બોર્ડ લગાવ્યા બાદ માનીતા કોન્ટ્રાક્ટરને જાહેરાત લગાવવાના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તથી વિવાદ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 10 કરોડના ખર્ચે 33 એલઇડી સ્ક્રીન લગાવ્યા બાદ તેમાં જાહેર ખબર કરવાના કોન્ટ્રાક્ટ કોર્પોરેશનના બજેટમાં નક્કી થયેલી લાગત કરતા ઓછા ભાવના ટેન્ડર મંજૂર કરી માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપવાનો કારસો રચવામાં આવ્યો છે.આ અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતા વિવાદ સર્જાયો છે.
કોર્પોરેશન દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે,રોડ સાઇડની જગ્યામાં ઈન્સ્ટોલ કરેલા કૂલ- 33 એલઇડી સ્ક્રીન ઉપર જાહેરાત કરવાનો પાંચ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવાનો છે
વડોદરા કોર્પોરેશનની રોડ સાઇડની જગ્યામાં ઉભા કરેલ કુલ-33 LED Screen ઉપર 5 વર્ષ માટે જાહેરાત કરવાનો ઇજારો આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ ટેન્ડર આવ્યા હતા. બે એજન્સી ટેકનીકલી કવાલીફાઇડ થઇ હતી સન આઉટડોર કવાલીફાઇડ થયાં નહિ જે બે કંપની ક્વોલિફાઇડ થઈ તેમાં સૌથી વધુ ભાવ એકસેલન્ટ ગ્લોબલ એન્ડેવર્સ કંપની દ્વારા મીનીમમ અપસેટ વેલ્યુ રૂ.1,30,48,000/ની સામે સૌથી વધુ રૂ.1,43,00,000/- ની ઓફર આપી છે.
એકસેલન્ટ ગ્લોબલ એન્ડવર્સની 33 LED Screen ઉપર જાહેરાત કરવાનો પરવાનો પાંચ વર્ષની મુદત માટે વાર્ષિક લાઈસન્સ ફીની રકમ રૂ.1,43,00,000/- + 18% જી.એસ.ટી. સાથે દર વર્ષે 5% વધારો ગણી ત્રિમાસિક ધોરણે એડવાન્સમાં ભરવાની શરતે આપવા તેમજ ટેન્ડરમાં થયેલ કૂલ વાર્ષિક આવકમાંથી ઈલેકટ્રીકસીટી બિલની રકમ બાદ કરતા વધતી રકમ મીનીમમ ગેરંટીની રકમ કરતાં વધુ હોય તો તેના 50% રકમ પ્રોફીટ શેરીંગ તરીકે જમા કરાવવાની શરતે આ ટેન્ડર મંજૂર કરવા કમિશનરે ભલામણ કરી છે.
દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશન દ્વારા બજેટ દરમિયાન ભાડા તેમજ લાગત દર વર્ષે નક્કી કરવામાં આવતા હોય છે કોર્પોરેશનના વર્ષ 2024-25 ના લાગતના નક્કી કરેલા દરો પ્રમાણે કોમ્પ્યુટરાઈઝ્ડ ડિજિટલ મુવિંગ ડિસ્પ્લે થી જાહેરાત કરવા માટેની લાગત કોર્પોરેશનની માલિકીની જગ્યામાં હોય તો પ્રતિ ચોરસ મીટરના રૂપિયા 30,000 વાર્ષિક નક્કી કરવામાં આવ્યા છે.
હાલમાં કોર્પોરેશન દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં 33 બોર્ડ પર જાહેરાત કરવા અંગેનું ટેન્ડર આવ્યું છે તેની કુલ કિંમત રૂપિયા 1.43 કરોડ વાર્ષિક ચૂકવવા માટે એક્સેલેન્ટ ગ્લોબલ એન્ડવર્સ કંપનીએ ઓફર કરી છે જે કોર્પોરેશન બજેટમાં મંજૂર કરેલી લાગત કરતા રૂપિયા 35 લાખ ઓછા થાય છે જે નિયમ પ્રમાણે ઓછી લાગત લઈ શકાય નહીં.
કોર્પોરેશન દ્વારા 33 ડિજિટલ મુવીગ ડિસ્પ્લે બોર્ડ લગાવ્યા છે તેના એક બોર્ડની સાઈઝ 6 બાય 3 મીટર એટલે કે કુલ 18 મીટર નું એક બોર્ડ થાય છે જેની બજેટમાં દર્શાવ્યા પ્રમાણેની લાગત વસૂલ કરવામાં આવે તો એક બોર્ડનાવાર્ષિક રૂ. 5.40 લાખ વસુલ કરવા પડે અને કુલ 33 બોર્ડ હોવાથી વાર્ષિક રૂ. 1.78 કરોડ ની રકમની વસુલાત કરવાની રહે છે પરંતુ હાલમાં જે ટેન્ડરો આવ્યા છે તેની કુલ ટેન્ડર ની રકમ રૂ. 1.43 કરોડ થાય છે જે બજેટમાં નક્કી કરેલી લાગત કરતા 35 લાખ ઓછી રકમ મળશે. તદુપરાંત કોર્પોરેશનને નિયમ પ્રમાણે પ્રોફિટના 50% રકમ જ મળશે કોર્પોરેશનના અધિકારીઓએ અંદાજપત્રમાં નક્કી થયેલી લાગત કરતા પણ ઓછી રકમની અપસેટ વેલ્યુ 1.78 કરોડના બદલે 1.30 કરોડ અપસેટ વેલ્યુ ટેન્ડરમાં નક્કી કરવામાં આવી છે જેથી પણ વિવાદ સર્જાયો છે.વાર્ષિક લાગત પ્રમાણે રૂ. 1.78 કરોડના બદલે રૂ.1.43 કરોડ મળશે તદુપરાંત કંપની જે નફો બતાડે તેના જ માત્ર 50% રકમ મળશે જેથી કોર્પોરેશનને ખોટનો ધંધો કરવાનો વારો આવશે.