વડોદરામાં ફટાકડાની ગેરકાયદે હાટડીઓ સામે કાર્યવાહી કરવામાં વ્હાલા દવલાની નીતિથી વિવાદ
Vadodara Corporation : વડોદરા શહેરમાં એક બાજુ ફટાકડાના સ્ટોલ માટે 25 અરજીઓ કરવામાં આવી છે તો બીજી બાજુ અનેક વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાઓની હાટડીઓ લાગી જતા વિવાદ સર્જાયો છે. કેટલાક વોર્ડમાં ફટાકડાની હાટડીયો ચાલુ રાખવામાં આવી છે. તો બે વોર્ડમાં અંદાજે 100 જેટલી ફટાકડાની હાટડીઓ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે શહેરભરમાં નાના-મોટા ફટાકડાના ગેરકાયદે સ્ટોલ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આવા 100 જેટલા ફટાકડાના સ્ટોલ ધારકોને વોર્ડ નં. 8-9માં પાલિકા તંત્ર દ્વારા ચેતવણી આપીને તાત્કાલિક ધોરણે સ્ટોલ હટાવી લેવા જણાવાયું છે. જો આ અંગે જરૂરી કોઈ કાર્યવાહી નહીં થાય તો ગમે ત્યારે આવા સ્ટોલ દબાણ શાખા દ્વારા હટાવી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચારે બાજુએ મંજૂરી વિના ફટાકડાના ગેરકાયદે સ્ટોલ લાગી ગયા છે. નજીવી બેદરકારીમાં સ્ટોલ નજીક આગનો નજીવો તણખો ફટાકડાના લાગેલા સ્ટોલ પર પડે તો મોટી દુર્ઘટના કે જાનહાની થવાની પણ શક્યતા રહેલી છે. આમ છતાં પણ શહેર પોલીસ તંત્ર દ્વારા માત્ર આંગળીના વેઢે ગણાય એવા સ્ટોલ ધારકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરભરમાં ફટાકડાના ગેરકાયદે સ્ટોલ તમામ વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.