નવસારીમાં ભાજપના કાર્યક્રમમાં PIની હાજરીથી વિવાદ, ધારાસભ્ય અનંત પટેલની ટિપ્પણી, 'દિપક કોરાટ ભાજપમાં જોડાયા'
Navsari News: નવસારીમાં સર્કિટ હાઉસ ખાતે ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નવસારીના પીઆઈ દિપક કોરાટ પણ હાજર હતા. આ મુલાકાતની તસવીર પુરુષોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પીઆઈ દિપક કોરાટ ટ્રોલ થઈ રહ્યા છે. વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આ પોસ્ટ કરી કટાક્ષ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પીઆઈ દિપક કોરાટને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન.'
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલા બે દિવસ પહેલા સામાજિક કાર્યક્રમ માટે નવસારી પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક ભાજપના કાર્યકરો તેમની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા. ત્યારે પીઆઈ દીપક કોરાટ પણ સાંસદ પુરષોતમ રૂપાલાને મળવા પહોંચ્યા હતા. મુલાકાત પૂર્ણ થયા બાદ યાદગીરી માટે બધાએ રૂપાલા સાથે ફોટો પડાવ્યો હતો, જેમાં PI દીપક કોરાટે પણ ફોટો પડાવ્યો હતો. આ ફોટો વિવાદનું કેન્દ્ર બન્યો અને ધારાસભ્ય અનંત પટેલે પીઆઈ દિપક કોરાટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં 108 એમ્બ્યુલન્સે સાયકલ સવાર બાળકીને અડફેટે લીધી, તેમાં જ સારવાર માટે ખસેડાઈ
ઉલ્લેખનીય છે કે, નવસારીના એક રેલી દરમિયાન વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે ઘર્ષણના એક વખત એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જાણે અનંત પટેલ આરોપી હોય અને પીઆઈ દીપક કોરાટ બળજબરીથી પોલીસની ગાડીમાં બેસાડે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધારાસભ્ય અનંત પટેલે મૂકયો છે. ત્યારે નવસારી અને વાસદમાં લોકમુખે એક જ ચર્ચા ચાલી રહી છે કે પીઆઈ પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને તે સાંસદને મળવા આવ્યા હતા.