સુરત શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ બદલાયા તેની સાથે ઓફિસમાં બાબા સાહેબ આંબેડકર તસ્વીર પણ ગાયબ
Surat Controversy : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નવી નિમણુંક બાદ ઉપાધ્યક્ષની ઓફિસમાંથી બાબાસાહેબ આંબેડકરનો ફોટો ગાયબ થઈ ગયો છે જેનાથી વિવાદ ઉભો થયો છે. પુર્વ ઉપાધ્યક્ષ પોતાની ઓફિસમાં અન્ય મહાનુભવો સાથે બાબાસાહેબ આંબેડકરનો ફોટો મૂક્યો હતો. પરંતુ ઉપાધ્યક્ષ નવા આવ્યા બાદ બાબાસાહેબ આંબેડકરનો ફોટો ગાયબ છે અને તે ફોટાની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો છે જેના કારણે ભાજપના કેટલાક નેતાઓના બાબાસાહેબ આંબેડકરના વિચારો અંગે પ્રશ્નો ઉભા થયા છે.
સિદ્ધિઓના બદલે સતત વિવાદમાં રહેતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બીજો એક વિવાદ ઉભો થયો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલા અધ્યક્ષ તરીકે ધનેશ શાહ અને ઉપાધ્યક્ષ તરીકે સ્વાતિ સોસાની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, ભાજપના નેતા વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથેના લેટર બોમ્બ પોસ્ટ કરવાના મુદ્દે અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપાધ્યક્ષની ટર્મ પણ પુરી થતાં નવા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડીયા અને ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી હતી.
જુના અધ્યક્ષ સ્વાતિ સોસાએ ઉપાધ્યક્ષની ઓફિસમાં અન્ય મહાનુભવો સાથે ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મૂક્યો હતો. પરંતુ નવા ઉપાધ્યક્ષ રંજના ગોસ્વામીએ ચાર્જ સંભાળ્યા બાદ તેમની ઓફિસમાં ફેરફાર થયા હતા. હાલમાં રંજના ગોસ્વામીના ઉપાધ્યક્ષની ઓફિસમાં પહેલા જ્યાં બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હોતી તે તસ્વીરની જગ્યાએ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર છે.
જોકે, લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર સાથે કોઈ વાંધો નથી તેઓ વડાપ્રધાન છે તેથી તસ્વીર હોવી જોઈએ તેવું લોકો કહે છે, પરંતુ પહેલા આ ઓફિસમાં બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હતી તે હટાવી દેવામાં આવી છે તેના કારણે વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિમાં આ વિવાદ સળગી રહ્યો છે ત્યારે આ અંગે ઉપાધ્યક્ષ રંજના ગૌસ્વામીને પુછતાં તેઓએ કહ્યું હતું કે ઓફિસમાં કલર અને અન્ય કામગીરી કરવાની હોવાથી તસ્વીરો કાઢી લેવામાં આવી હતી અને ત્યાર બાદ અન્ય ઓફિસમાં સિકવન્સ છે તે પ્રમાણે તસ્વીર ગોઠવી દેવામાં આવી છે.
જોકે, આ ઓફિસમાં પહેલા બાબાસાહેબ આંબેડકરનો ફોટો હતો તે કેમ કાઢી લીધો અને હજી કેમ નથી મુક્યો તેના સામે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો અને હું પહેલા બીમાર હતી અને હવે ઓફિસ જઈને જોઈ લઈશ તેવું કહ્યું હતું. જોકે, આ ફોટો ફરી મુકવામાં આવશે કે નહીં તે અંગે તેઓએ કોઈ ફોડ પાડ્યો નથી.
એક તરફ ભાજપ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિએ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજે છે તો બીજી તરફ સુરત શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષની ઓફિસમાંથી બાબાસાહેબ આંબેડકરનો ફોટો હટાવી લેવાયો તે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તે આગામી દિવસોમાં વધુ વકરે તેવી શક્યતા નકારી શકાતી નથી.