વડોદરા વકીલ મંડળની ચૂંટણી સમયે ફરી વકીલોની બેઠક વ્યવસ્થામાં વિવાદ
Vadodara : વડોદરા વકીલ મંડળની આવતીકાલે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી વકીલોની બેઠક વ્યવસ્થાનો વિવાદ યથાવત રહ્યો છે આ વખતની ચૂંટણીમાં પણ નવું એડવોકેટ હાઉસ તૈયાર થયું છે પરંતુ તેમાં વડોદરા વકીલ મંડળના હોદ્દેદારોએ પોતાના માટે એક આખો માળ રોકી દઈ તેમાં પોતાની અલગ અલગ કેબીનો અને કોન્ફરન્સ બનાવી દેતા યુવાન વકીલોમાં રોષ વ્યાપ્યો છે અને બીજું એડવોકેટ હાઉસ બનાવ્યું છતાં પૂરેપૂરા વકીલોને માટે બેસવાની વ્યવસ્થા થશે નહીં ત્યારે વકીલોની બેઠક વ્યવસ્થા અંગે ફરી એકવાર વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેરની જૂની ન્યાય મંદિર ઇમારતમાં વકીલો ટેબલો લગાવી બેસતા હતા ત્યારે વકીલોની સંખ્યા ઓછી હતી ત્યારબાદ નવી કોર્ટની ઈમારત તૈયાર કરવામાં આવી અને કોઈપણ વકીલ કોર્ટની લોબીમાં બેસી શકશે નહીં તેવા નિયમો બનાવવામાં આવતા વકીલોમાં રોષ વ્યાપ્યો હતો અને તેના માટે આંદોલનો પણ થયા હતા આખરે હાલના પ્રમુખે હાઇકોર્ટને લેખિતમાં બાહેદરી આપી હતી કે કોર્ટ પરિસરમાં વકીલો ટેબલ મૂકીને બેસશે નહીં જેથી વકીલોની બેઠક વ્યવસ્થા માટે કોર્ટ પરિસરમાં એક અલગ એડવોકેટ હાઉસ બનાવવામાં આવ્યું જેમાં 500 વકીલો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તે બાદ કરોડો રૂપિયાના ખર્ચે વધારાનું એક એડવોકેટ હાઉસ બનાવવામાં આવ્યું છે. આ એડવોકેટ હાઉસમાં વકીલ મંડળના હોદ્દેદારો માટે આખો એક માળ રોકી દઈ દરેકની અલગ અલગ કેબીનો સરકારી ખર્ચે બનાવી દેવામાં આવી છે. તેમાં હજી એસી લગાડવાની કામગીરી બાકી છે.
છેલ્લા પાંચ વર્ષ સુધીમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ફરી એકવાર બેઠક વ્યવસ્થાનો વિવાદ સર્જાયો છે. નવું એડવોકેટ હાઉસ ચુંટણી હોવાથી છેલ્લા બે મહિનાથી બંધ રાખવામાં આવ્યું છે ત્યારે આ ત્રણ માળની ઇમારતમાં એક આખો માળ હોદ્દેદારો માટે રાખી લેવામાં આવતા અન્ય બે માળ પર વકીલો માટેની પૂર્તિ બેઠક વ્યવસ્થા થશે નહીં તેમ વકીલોનું માનવું છે હાલમાં નોંધાયેલા 3000 જેટલા વકીલો પ્રેક્ટિસ કરી રહ્યા છે અને દર વર્ષે બીજા 250 થી 300 વકીલોનો ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે બીજું નવું બનાવેલું એડવોકેટ હાઉસમાં હોદ્દેદારો માટે આખો માળ રોકી લેતા યુવા વકીલોમાં રોષ વ્યાપ્યો છે કે પાંચ વર્ષનો સમય ગાળો થઈ ગયો છતાં પણ વકીલોની બેઠક વ્યવસ્થાનો મુદ્દો યથાવત રહ્યો છે. જ્યારે સરકાર ખર્ચ કરી વકીલો માટે બેઠક વ્યવસ્થા ઉભી કરતા હોય તો આખો પ્રથમ માળ ચેમ્બરો અને કોન્ફરન્સ હોલ માટે કોની પરવાનગીથી બનાવવામાં આવી છે તે અંગે યુવા વકીલોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જ્યારે વડોદરા વકીલ મંડળમાં 55% યુવા વકીલો સભ્ય હોય ત્યારે સન્માન પૂર્વક વકીલાત કરી શકે તે માટે ન્યાયતંત્ર અને સરકાર દ્વારા બાંધવામાં આવેલું નવું એડવોકેટ હાઉસમાં પહેલો આખો માળ ચૂંટાયેલા માટે ચેમ્બરો બનાવી દઈને યુવા વકીલોની બેઠક વ્યવસ્થા છીનવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વડોદરા કોર્ટમાં યુવા વકીલો માન સન્માન સાથે વકીલાતનો વ્યવસાય કરી શકે તેને માટે કોઈ ચોક્કસ બેઠક વ્યવસ્થા હોવી જોઈએ અને જેથી સરકાર દ્વારા નવું એડવોકેટ હાઉસ ખર્ચો કરીને બાંધવામાં આવ્યું. પરંતુ જ્યારે નવું બંધાયેલું એડવોકેટ હાઉસમાં વકીલોની બેઠક વ્યવસ્થાની જગ્યાએ આખા પ્રથમ માળની જગ્યા બાર એસોસિએશનના કેટલાક ગણતરીના હોદ્દેદારોની પોતાની ચેમ્બરો અને આલીશાન કોંફરસ રૂમ બનાવી યુવા વકીલોની બેઠક વ્યવસ્થા છીનવાઇ
યુવા વકીલોમાં રોષ છે કે કોન્ફરન્સ રૂમ કે ચેમ્બરો તો માત્ર મિટિંગ હોય ત્યારેજ વર્ષમાં 10 થી 12 વાર વપરાય અને બાકીના આખા વર્ષ માં ખાલી પડી રહે, જ્યારે વકીલાત કરવા આવતા યુવા વકીલો બેઠક વ્યવસ્થા બારેય મહિના વાપરી શકે.
કેટલાક યુવા વકીલો એવી પણ આશંકા વ્યક્ત કરે છે કેટલાક હોદ્દેદારો ચેમ્બરોમાં બેસીને પોતાની પ્રેક્ટિસ કરશે અને અસીલ પાસે માત્ર એમની પાસેજ ચેમ્બર હોવાનો વટ પાડશે જેનાથી યુવા વકીલો ની વકીલાત ચેમ્બરમાં બેઠેલા છીનવી લેશે.
જ્યારે ન્યાયતંત્ર અને સરકારએ વકીલોની બેઠક વ્યવસ્થા માટે ખૂબ ખર્ચ કરીને એડવોકેટ હાઉસ બનાવ્યું હોય તો આવી સરકારી ખર્ચે ચેમ્બરો બનાવવાની મંજૂરી કોણે આપી એ પણ મોટો સવાલ છે. ત્યારે આવતીકાલે યોજાનાર વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં ફરી એકવાર વકીલોની બેઠક વ્યવસ્થા અંગેનો વિવાદ સર્જાયો છે.