વડોદરાના છાણી-બાજવા ટી પોઇન્ટ ખાતે અશ્વનું ઊંચું સ્ટેચ્યુ મૂકવા મુદ્દે વિવાદ
Vadodara Corporation : વડોદરામાં વોર્ડ નંબર એક વિસ્તારમાં છાણી બાજવા ટી પોઈન્ટ ખાતે અશ્વનું સ્ટેચ્યુ મુકવા મુદ્દે શરૂ થયેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ આ સ્થળે અશ્વનું ઊંચું સ્ટેચ્યુ મુકવાનું કામ હાથ ધરાયું ત્યારે લોકોના વિરોધના કારણે કામ બંધ કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ આ સ્ટેચ્યુ મુદ્દે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી ત્યારે કોર્પોરેશન દ્વારા જે તે સમયે ટ્રાફિક પોલીસનો અભિપ્રાય લીધો હતો. નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક )દ્વારા તારીખ 2-10-24 ના રોજ કોર્પોરેશનની ટ્રાફિક શાખાને અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે સ્થળ પર વિઝીટ કરતા ઘોડાની પ્રતિકૃતિને કારણે બ્લાઇન્ડ સ્પોટની શક્યતા રહે છે જેથી અકસ્માતની સંભાવના છે. દરમિયાન તારીખ 21-11-24 ના રોજ સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ અને ટ્રાફિક) એ કોર્પોરેશનની ટ્રાફિક શાખાને એવો પત્ર લખ્યો કે છાણી રોડ બાજવા ટી જંક્શન પર હયાત ડિવાઇડર ઉપર ઘોડાની પ્રતિકૃતિ મૂકવા ટ્રાફિકની અવરજવર કરતા વાહનો માટે અવરોધ રૂપ થાય છે કે નહીં તે અંગે અભિપ્રાય મંગાવ્યો છે ત્યારે આ સ્થળે વિઝીટ કરતા જણાવ્યું છે કે તેવો કોઇ અવરોધ નથી. જેથી આઇલેન્ડ વિકસાવવા અભિપ્રાય છે.
આમ, પોલીસ વિભાગ તરફથી બે જુદા-જુદા અભિપ્રાય આવતા વોર્ડ નંબર એકના કોર્પોરેટરો પોલીસ કમિશનર રજા પર હોવાથી સંયુક્ત પોલીસ કમિશનરને મળ્યા હતા અને ટ્રાફિક ડીસીપી તથા સંયુક્ત પોલીસ કમિશનરના બે લેટરમાં ઊભી થયેલી દ્વિધા અંગે રજૂઆત કરી સાચું શું ગણવું તે અંગે સવાલ કર્યો હતો. વોર્ડ નંબર એકના કોર્પોરેટર દ્વારા વધુમાં એવી પણ રજૂઆત કરાઈ છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ ગુજરાત સરકાર વિરુદ્ધ આપેલા એક ચુકાદામાં કહ્યું હતું કે જાહેર રોડ પર કોઈ પણ સ્ટેચ્યુ કે સ્ટ્રક્ચરના બાંધકામને પરવાનગી આપવી ન જોઈએ. હજુ પાંચ દિવસ પહેલા કોર્પોરેશનમાં પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે બાજવા ચાર રસ્તા પર સેન્ટ્રલ ડીવાઇડર લંબાવીને આર.સી.સી.વર્ક કરવાની જે કામગીરી કરવામાં આવેલ છે, તેના કારણે આજુબાજુની સોસાયટીઓ જેવી કે, મારૂતીનંદન, મારૂતીધામ, ભાથુજીનગર, માર્કેટીંગ યાર્ડ ઝુપડપટ્ટી, મારૂતી ઇન્ફીનીટી વગેરે ખાતે રહેતા રહેવાસીઓ, તેમજ આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકોને શહેર તરફ અવર-જવર કરવામાં અકસ્માત થવાનો ડર લાગતો હોવાથી વિરોધ નોંધાયો હતો. વધુમાં સંયુક્ત પોલીસ કમિશનર (કાઈમ અને ટ્રાફીક) ના પત્રના પોઝેટીવ અભિપ્રાયથી સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થાય છે. જેથી નાયબ પોલીસ કમિશનર કચેરી, ટ્રાફીક શાખાને ફરીથી પત્ર લખી અભિપ્રાય માંગવામાં આવે અને આ તમામ કાર્યવાહી પુરી ના થાય ત્યા સુધી સ્ટેચ્યુ અંગે કોઇ પણ નિર્ણય લેવામાં ના આવે તેવો અનુરોધ કર્યો છે.