લેઉઆ પાટીદાર અગ્રણીએ જ રાદડિયાને હરાવવાના પ્રયાસ કર્યા! સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં ઘમસાણ
IFFCO Director Election: ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ સી.આર. પાટીલના મેન્ડેટની વિરુદ્ધ જઈને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા વિજેતા બન્યા હતા. ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં રાદડિયાને હરાવવા માટે પાટીદારોની સમગ્ર રાજ્યની પ્રમુખ અગ્રીમ સંસ્થાના અમદાવાદમાં રહેલા એક ટ્રસ્ટીએ ભરપૂર પ્રયાસો કર્યાની વાતે આજે સૌરાષ્ટ્રમાં ભાજપના પાટીદાર નેતાઓમાં ઘમસાણ સર્જાયું છે.
લેઉઆ પાટીદાર સંસ્થાના ટ્રસ્ટીએ રાદડીયાને હરાવવાના પ્રયાસો કર્યા
લેઉઆ પાટીદાર સમાજના જ એક ટ્રસ્ટીએ જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા ફોન કરીને સહકારી મંડળીઓના ડેલિગેટ્સને કહ્યાની વાત બહાર આવી હતી. આ અંગે ખોડલ ધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું કે, 'આ ટ્રસ્ટી આ અંગે જયેશ રાદડિયાએ ચાર મુખ્ય ટ્રસ્ટી પૈકીના હોવાનું જાણવા મળે છે અને તેમ હોય તો તેમને પદ પરથી દૂર કરવા જોઈએ અથવા રાજીનામું લઈ લેવું જોઈએ. રાદડિયા લેઉઆ પાટીદાર સમાજના જ આગેવાન છે. તેમની સામે આવું થાય તે યોગ્ય નથી.'
જ્ઞાતિ સમાજે રાજનીતિ ન કરવી જોઈએ: રાદડિયા
આ અંગે જયેશ રાદડિયાએ ખોડલ ધામ ટ્રસ્ટનું કે કોઈ ટ્રસ્ટીનું નામ લાધી વગર જણાવ્યું કે, જ્ઞાતિ સમાજની સંસ્થાઓએ રાજકારણ ન ખેલવું જોઈએ. રાજકારણ અલગ અને સામાજિક કાર્ય અલગ હોવું જોઈએ. કોઈને હરાવવાની કે જીતાડવાની વાત સમાજે ન કરવી જોઈએ. તેમણે માર્મિક રીતે કહ્યું કે, 'મારા માટે મારા ખેડૂત અને મતદારો જે સર્ટિફિકેટ આપે તેનું જ મહત્ત્વ છે. મારે કેટલાક નેતાઓ, આગેવાનોના સર્ટિફિકેટની જરૂર નથી.'
ભાજપ વિરુદ્ધ કામ કરે તેની સામે કાર્યવાહીની બાબુ નસીતની માંગ
આજે જયેશ રાદડિયાની જીત એ ભાજપની હાર છે તેમ કહીને અન્ય એક ભાજપના નેતા બાબુ નસીતે ઈફકોની ચૂંટણી મુદ્દે શિસ્તભંગના પગલા લેવા જોઈએ. તેમણે કહ્યું કે, 'સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં અગાઉ મેન્ડન્ટથી ભાજપના નેતાઓ ચૂંટાયા છે. આ વખતે અમને કોઈ મેન્ડેટ મળ્યો નહોતો. છતાં અમે જીત્યા છીએ તે ભાજપના જ છીએ, અમે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી જીતી નથી તેથી બળવાખોરીની કોઈ વાત નથી.'
ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણી વિવાદથી દૂર રહેવા માંગે છે
ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીએ કહ્યું કે, 'બોલ્યો તે બોલ્યો, ચૂંટણી પૂરી થઈ છે અને હવે કોઈ વાદ-વિવાદ નહીં. સહકારી ક્ષેત્રે સહકાર મંત્રાલય દ્વારા જે સમગ્ર દેશ માટે નિયમો છે તેનો અમલ ગુજરાત સહિત તમામ રાજ્યોમાં સમાન ધોરણે થવો જોઈએ.' રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડીને ઈફ્કોમાં વિજેતા થયા તેની અસર અન્ય ક્ષેત્રમાં પડવા અંગે તેમણે કહ્યું કે આ અંગે પાર્ટી અને સહકારી સંસ્થાઓએ નિર્ણય લેવો જોઈએ.'