સુરત પાલિકાની સામાન્ય સભામાં શોક દર્શક ઠરાવ વખતે કંકોત્રીનું વિતરણ : ભાજપ-આપના નગર સેવકોનું ચેકિંગનું નાટક બન્યું ચર્ચાનો વિષય
Surat Corporation : સુરત પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે મંજીરા વગાડી વિરોધ કરતાં ચીફ સિક્યોરિટી ઓફિસર અને સિક્યુરિટી ઓફિસર સામે પગલાં ભરાયા હતા. હવે આગામી સભા પહેલા કોઈ પ્રકારના સાહિત્ય સાથે વિરોધ ન થાય તે માટે સામાન્ય સભામાં પ્રવેશ પહેલા સાધન-સામગ્રી લઇ જવા પર પ્રતિબંધનો ફતવો બહાર પડાયો હતો. જેના કારણે ગઈકાલની સામાન્ય સભામાં ભાજપ-આપ બંને પક્ષના નગરસેવકોના ખિસ્સા સુધ્ધા ચેક કરવામાં આવ્યો હતો. જોકે, આશ્ચર્ય વચ્ચે સુરત પાલિકાની સામાન્ય સભામાં શોક દર્શક ઠરાવ વખતે લગ્નની કંકોત્રીનું વિતરણ થયું હતું. જેના કારણે ફરી એક વખત પાલિકાની સિક્યુરિટીની કામગીરી વિવાદમાં આવી છે.
સુરત પાલિકાની સામાન્ય સભામાં છેલ્લા કેટલાક વખતથી વિપક્ષ દ્વારા જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત બોર્ડમાં તો વિપક્ષ મંજીરા વગાડતા હતા. બોર્ડમાં મંજીરા લાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ શાસકોની સુચનાથી ચીફ સિક્યોરિટી ઓફિસરનું ઈન્ક્રીમેન્ટ અટકાવ્યું હતું અને ત્યાર બાદ સિક્યુરિટી ઓફિસરને પગાર કાપી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાસકોના ઈશારે પાલિકાના અધિકારીઓએ એક નોંધ મૂકી છે તેમાં સામાન્ય સભામાં પ્રવેશ પહેલા સાધન-સામગ્રી લઇ જવા પર પ્રતિબંધનો ફતવો બહાર પડાયો હતો.
આ ફતવા બાદ આજે પાલિકાની સામાન્ય સભા પહેલા ભાજપ-આપ બંને પક્ષના કોર્પોરેટરોને પ્રવેશ પહેલા તમામ નગરસેવકોના ખિસ્સા સુધ્ધા ચેક કરવામાં આવ્યા હતા. અને બન્ને પક્ષના કોર્પોરેટરોની ચકાસણી બાદ કોઈ પણ પ્રકારનું સાહિત્ય કે સાધન સામગ્રી લઈ જવામાં આવ્યો ન હોવાનો દાવો થયો હતો. તો બીજી તરફ માજી વડાપ્રધાન મનમોહન સિંહના અવસાન બાદ પાલિકાની સામાન્ય સભામાં શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એક તરફ શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેની સાથે કેટલાક નગર સેવક કે નેતાઓના ઘરે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગ હતા તેમના આમંત્રણ કાર્ડ અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત પાલિકાની સિક્યુરિટી કડક હતી અને કોર્પોરેટરના ખિસ્સા પણ ચેક કરવામાં આવ્યા હતા અને સાહિત્ય કે કોઈ સામગ્રી લઈ જવા પર મનાઈ હતી તો પછી પાલિકાની સામાન્ય સભામાં લગ્નની કંકોત્રી કે આમંત્રણ કાર્ડ કઈ રીતે પહોંચ્યા? જો સામગ્રી અંદર લઈ જ જવા પર મનાઈ હતી તો પછી આ સાહિત્ય સભામાં પહોચ્યું તે પાલિકાની સિક્યુરિટીની સૌથી મોટી નિષ્ફળતા છે. સિક્યુરિટી દ્વારા કરવામાં આવેલી તપાસ નાટક હતું કે પછી વ્હાલા દવલા નીતિ તે પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બની ગયો છે.