Get The App

સાયરનવાળી કાર સહિતનો કાફલો રાતે બરડા સફારી વીંધીને નીકળતાં વિવાદ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
સાયરનવાળી કાર સહિતનો કાફલો રાતે બરડા સફારી વીંધીને નીકળતાં વિવાદ 1 - image


વન વિભાગની બેતરફી નીતિ-રીતિ સામે વધુ એકવાર સવાલો  ઉઠયા અનેક સરકારી તથા ખાનગી ગાડીઓ જંગલના નિયમોના ધજાગરા ઊડાવી ગઈ હોવા મુદ્દે આક્રોશિત સિંહપ્રેમીઓએ જવાબ  માગ્યા 

જૂનાગઢ, : તાજેતરમાં બરડા જંગલમાં સફારી શરૂ કરવામાં આવી છે. સફારી શરૂ થતા સાથે જ વિવાદ પણ શરૂ થયો છે. બરડા જંગલ સફારીનો વીડિયો વાયરલ થતા વન વિભાગ સામે સવાલો ઊભા થયા છે. અંધારામાં સરકારી તથા ખાનગી ગાડીઓનો મોટો કાફલો એકીસાથે જંગલના નિયમનો ધજાગરો ઉડાવતો પ્રવેશ કરતો હોવાનો વીડિયો વાયરલ થતા સિંહપ્રેમીઓએ આ અંગેની તપાસ કરવાની માગ ઉઠાવીને જવાબદારો પાસેથી જવાબ માંગ્યા છે. ઉપરાંત, જરૂર પડયે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. બીજી તરફ, તંત્રએ સ્પષ્ટતાઓમાં પડી જવું પડયું છે અને વિવાદને પાયાવિહિન ગણાવી રહ્યું છે.

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નવનિર્મિત બરડા જંગલ સફારીનો દરવાજો દેખાય છે. આ દરવાજાથી સાયરનવાળા સરકારી વાહનો તથા તેની વચ્ચે કેટલાક ખાનગી વાહનો ઝડપભેર પસાર થતા જોવા મળે છે. એકીસાથે ૧૦થી વધુ વાહનોનો કાફલો જંગલમાં પસાર થતો જોવા મળે છે. અંધકારમય વાતાવરણમાં એકીસાથે આટલો મોટો સરકારી અને ખાનગી ગાડીઓનો કાફલો કેવી રીતે પસાર થયો ? તેમાં વન વિભાગના કે અન્ય વિભાગના ક્યા અધિકારીઓ સામેલ હતા ? શું જંગલમાં એવી કોઈ ઈમરજન્સી હતી ? જંગલ સફારીના નિયમો મુજબ અંધકારમય વાતાવરણમાં સિંહ દર્શન કરવાની કેવી રીતે મંજુરી મળી ? આવી પ્રવૃત્તિથી સિંહ સહિતના વન્યજીવોને ખલેલ નહી પહોંચે ? આવા અનેક સવાલો સાથે સિંહપ્રેમી મયંક ભટ્ટ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક હેડ ઓફ ફોરેસ્ટને રજૂઆત કરી જવાબ માંગવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિથી લઈ સામાન્ય નાગરિક સુધી તમામની વન્યપ્રાણીને સુરક્ષિત રાખવાની ફરજ બને છે ત્યારે વન્યજીવોને ખલેલ પહોંચાડતી નુકસાનકારક ઘટના અંગે વન વિભાગ સામે સવાલો ઉભા થયા છે. વન વિભાગે આ અંગે જાહેર ખુલાસો કરવો જોઈએ કારણ કે, બરડા સફારી પાર્કનો વીડિયો વાયરલ થતા ગેરસમજ સાથે અનેક સવાલો ઉઠયા છે. જ્યારે રેવન્યુ વિસ્તારમાં સિંહ સામે ટોર્ચનો પ્રકાશ નાખવામાં આવે ત્યારે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરતો વન વિભાગ અધધધ.. કહી શકાય તેટલા વાહનો અને અંધકારમય વાતાવરણમાં સફારી પાર્ક જેવા વિસ્તારમાં લાલ, પીળી, ભુરી રોશનીનો વરસાદ કરી સફારી પાર્કમાં બેફામ રીતે ફરતા લોકો સામે પગલા ભરે એવી માંગ કરી છે. જો આ અંગે વન વિભાગ કંઈ વિષય હકીકત જાહેર નહી કરે તો વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમના કાયદા મુજબ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા વનતંત્રમાં દોડધામ મચી છે.

ગોળગોળ જવાબ આપી બચાવ કરતું વનતંત્ર

બરડા સફારીનો વીડિયો વાયરલ થયા બાદ વનતંત્ર લુલો બચાવ કરવામાં કામે લાગ્યું હોય તેમ અગાઉ સફારી શરૂ થયા પહેલા તપાસ કરવા કે રૂટ ચેકિંગ કરવા કે માલધારીઓને મળવા ગયા હોવાની વાત જાહેર કરવામાં આવતી હતી. આ વાત ગળે ઉતરે તેવી ન હોવાથી હવે તપાસના આદેશ આપી ક્યારની ઘટના છે? તે અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાનું વન અધિકારીઓ નામ નહીં આપવાની શરતે જણાવી રહ્યા છે, પરંતુ આવી કોઈ વાત ગળે ઉતરે તેમ નથી. હકીકતે જંગલના નિયમોનો ઉલાળીયો થયો હોવાનું સ્પષ્ટ સાબિત થતું હોવાનો સિંહપ્રેમીઓ આક્ષેપ કરે છે.


Google NewsGoogle News