યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલીટ, લાપરવાહી અને ઢાંકપીછોડાનો પ્રયાસ
Dwaraka Temple Video Viral : યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની અંદરનાં વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલીટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વધુ એક વખત ગંભીર લાપરવાહી સામે આવવા સાથે ઢાંકપીછોડાનો પ્રયાસ થયો છે. વળી, જગત મંદિરમાં પોલીસ કંટ્રોલના સીસીટીવી કેમેરો કેટલા છે અને કેટલા બંધ છે? એ મુદ્દે પોલીસ અધિકારીનાં ઉડાવ જવાબ આપતા ભાવિકોમાં કચવાટની લાગણી પ્રસરી છે.
યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરમાં અવાર-નવાર લોકો મોબાઈલ ફોન લઈ ઘૂસી જવાના બનાવો બનતા હોય છે. જેથી ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા જગત મંદિરની સિક્યુરિટી વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠયા છે. જ્યારે જગત મંદિરમાં રહેલા પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાઓ કેટલા છે, કેટલા ચાલુ છે, કેટલા બંધ છે? એ પણ સવાલ છે.
અવાર-નવાર જગત મંદિરમાંથી મોબાઈલ ફોન દ્વારા રીલ્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે. જે બાબતે જગત મંદિર સુરક્ષાના ડીવાય.એસ.પી. સાગર રાઠોડને પૂછતા જવાબ આપ્યો કે, 'દ્વારકા મંદિર સુરક્ષાના પીએસઆઇને પૂછો..' તેવો જવાબ આપ્યો હતો. જેથી જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતું હોવા છતાં ડીવાય.એસ.પી.ને ખબર નહીં હોય ? એવો સવાલ ઉઠયો છે.
બીજી તરફ જાણવા મળતી માહિતી મુજબ જગત મંદિરમાં દેવસ્થાન સમિતિના 16 સીસીટીવી કેમેરા છે, તે ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમના અંદાજિત 45 થી 50 જેટલા કેમેરો છે, તેમાં મોટાભાગના વર્ષોથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સીસીટીવી કેમેરા ચાલુ હોય તો જગત મંદિરમાં મોબાઈલ ફોન લઈને પહોંચી જતાં વગદારો વીડિયો શૂટિંગ કરતા સીસીટીવી કેમેરામાં કેદ કેમ થતાં નથી અને થાય છે તો કેમ કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી, તે પણ એક સવાલ છે.
કારણ કે, તાજેતરમાં જ એક જાણીતા કલાકારની ધ્વજાજી પ્રસંગે જગત મંદિરમાં વીડિયો રીલ્સ બની હતી, જે વાયરલ થતા સુરક્ષાના છીંડા બાબતે ભારે ઉહાપોહ મચી ગયો હતો. જો કે, બાદમાં વિવાદ વકરતા તાબડતોબ સોશિયલ મીડિયામાંથી તમામ વીડિયો ડિલીટ કરી નાખવામાં આવ્યા, છતાં પોલીસે આંખ આડા કાન કરીને ઢાંકપીછોડાનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.