સુરત પાલિકાના ભાજપ કોર્પોરેટરના વિડિયો વાયરલ થયા બાદ વરાછા ઝોનના વિવાદિત કાર્યપાલક ઇજનેરની આખરે બદલી
Surat Corporation : સુરત પાલિકાના વરાછાના પે એન્ડ પાર્કમાં વિપક્ષી કોર્પોરેટરો દ્વારા તોડની એસીબીમાં ફરિયાદમાં પાલિકાના અધિકારીઓ સામે પણ આક્ષેપ થયાં હતા. ત્યારબાદ લાંબા સમયથી મંજુરી વિના ગેરહાજર રહેનારા વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર સામે કોઈ પગલાં ભરતા ન હતા. પરંતુ તેઓ અચાનક હાજર થયા બાદ ભાજપના નગરસેવકે તેમને પ્રશ્ન પૂછ્યા હતા, પરંતુ તેઓ કોઈ જવાબ આપ્યા ન હતા. આ વિડીયો વાયરલ થતાં સોમવારે મોડી રાત્રે મ્યુનિ. કમિશ્નરે ઓર્ડર કરીને તેમની બદલી કરી દીધી છે.
સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની માંગણીના કિસ્સામાં સુરત પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પાલિકાના વરાછા ઝોનના કાર્યાપાલક ઈજનેર અને તત્કાલીન આસી. કમિશનર સામે પણ એસીબીએ તપાસ શરુ કરી હતી. જોકે તપાસ થાય તે પહેલાં આ બંને અધિકારીઓ કચેરીમાં ગેરહાજર હતા. કાર્યપાલક ઈજનેર રજા મંજુર કરાવ્યા વિના ગેરહાજર રહ્યાના આક્ષેપ બાદ સવા મહિના પછી હાજર થયા હતા તેનો ભાજપના વરાછાના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો. આજે જ્યારે તેઓ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં ગયાં ત્યારે કોઈ જવાબ આપવાના બદલે જતા રહ્યાં અને હું જવાબ આપવા બંધાયેલો નથી તેવું કહ્યું હતું. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણમાં હોબાળો થયો હતો અને શાસક પક્ષના કોર્પોરેટરોનું અધિકારીઓ સામે કંઈ ઉપજતું નથી તેવું ચિત્ર ઊભું થયું હતું.
પે એન્ડ પાર્ક લાંચ પ્રકરણ અને અધિકારીઓની મંજૂરી વિના રજાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. અધિકારીઓ 25 દિવસ કરતાં પણ વધુ દિવસ મંજુરી વિના ગેરહાજર રહ્યાં હતા તેના પ્રત્યાઘાત મોડા પડ્યા છે. ગઈકાલ સોમવારે મોડી રાત્રે મ્યુનિ. કમિશનરે ઓર્ડર કર્યા હતા જેમાં વરાછાના વિવાદી કાર્યપાલક ઈજનેર મલેશ વસાવાને સાયન્સ સેન્ટરમાં આર્ટ તેમજ ટેક્ષ્ટાઇલ ગેલેરીના સિવિલ વર્કનો હવાલો સોંપી વરાછા ઝોનથી દુર કરી દીધા છે.
વરાછા ઝોનમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી થતા મ્યુનિ. કમિશનર તેની જગ્યાએ વેઇટીંગ લીસ્ટમાં રહેલા કરણ કુમાર ભાવસારનો ઓર્ડર કરીને તેને રેગ્યુલર કાર્યપાલક ઇજનેર તરીકે નિમણુંક આપી વરાછા ઝોનનો કાર્યભાર સોંપી દીધો છે.