હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે MSUના વિવાદાસ્પદ વીસીનું રાજીનામું, સરકારની થઈ ફજેતી
M S University Vadodara : એમ. એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી ડૉ. વિજય શ્રીવાસ્તવને રાજીનામું આપવું પડ્યું છે. હાઇકોર્ટે અપનાવેલા આકરા વલણના કારણે ડૉ. શ્રીવાસ્તવને રાજીનામું આપવાની ફરજ પડી હોવાનું મનાઈ રહ્યું છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનવા માટે ડૉ. શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ નહીં હોવાનો આરોપ મૂકીને એમ. એસ. યુનિવર્સિટીના જ વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠકે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. તા. 3 જાન્યુઆરીએ તેની પહેલી સુનાવણી થઈ હતી અને આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મામલામાં ડૉ. શ્રીવાસ્તવની નિમણૂક અને તેમના પ્રોફેસર તરીકેના અનુભવને લઈને યુનિવર્સિટી તેમજ સરકારે જે દસ્તાવેજો રજૂ કર્યા હતા તેને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
હાઇકોર્ટમાં સુનાવણી પહેલા જ રાજીનામું આપ્યું?
આજે આ મામલાની હાઇકોર્ટમાં વધુ સુનાવણી થઈ હતી પરંતુ તે પહેલાં જ ડૉ. શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર તરીકે રાજીનામું આપી દીધું હોવાનું અધ્યાપક આલમમાં કહેવાઈ રહ્યું છે. હાઇકોર્ટ સરકારનો વધારે ઉધડો ના લે તે માટે સરકારે જ ડૉ. શ્રીવાસ્તવને રાજીનામું આપી દેવાની ફરજ પાડી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ફરિયાદો છતાં સરકારે આંખ આડા કાન કર્યા હતા
જોકે એમ. એસ. યુનિવર્સિટીમાં લાયકાતના મુદ્દે વાઇસ ચાન્સેલરને રાજીનામું આપવુ પડ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. યુનિવર્સિટીની અધ્યાપક આલમ જ નહીં પણ રાજકીય વર્તુળોમાં પણ આજે આ મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો હતો. કારણકે શિક્ષણ મંત્રાલયના ખાસમખાસ ગણાતાં ડૉ. શ્રીવાસ્તવની સામે સંખ્યાબંધ ફરિયાદો પછી પણ સરકારે આંખ આડા કાન કર્યા હતા અને હવે ડૉ. શ્રીવાસ્તવનું રાજીનામું રાજ્ય સરકારના ગાલ પર પડેલા તમાચા સમાન છે.
બીજી ટર્મ મેળવાના અભરખા રહ્યા અધૂરા
ઉલ્લેખનીય છે કે, ડૉ. શ્રીવાસ્તવની વર્તમાન ટર્મ તા. 9 ફેબ્રુઆરીએ જ પૂરી થતી હતી પરંતુ તે પહેલા જ તેમને રાજીનામું આપવાની ફરજ પડી છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે બીજી ટર્મ મેળવવાના ડૉ. શ્રીવાસ્તવના અભરખા પણ હવે અધૂરા જ રહે તેમ લાગે છે.