વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના ડ્રાઇવરોને પગાર નહીં મળતા વીજળીક હડતાળ
VMC Driver Strike : વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ -ડ્રાઇવરોનો પગાર અડધો ઓક્ટોબર મહિનો પૂરો થવા છતાં દિવાળી ટાણે મુશ્કેલીમાં મુકાતા હડતાલ પર ઉતરી જતાં પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આખરે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાએ વ્હીકલ પુલ ખાતે પહોંચી જઈ ડ્રાઇવરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સમજુતી કરાવતા આખરે બે કલાક બાદ હડતાલ પાછી ખેંચી હતી.
ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના વ્હીકલ પુલના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને-ડ્રાઇવરોને પ્રતિમાસ અડધો પૂરો થઈ ગયા બાદ દર મહિને પગાર ચૂકવાતો હોવાનું કહેવાય છે. તાજેતરમાં ઓક્ટોબર મહિનો અડધો પૂરો થઈ ગયો છે. દિવાળીના દિવસોમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અને ડ્રાઇવરો આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. જો પાલિકા તંત્રના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધારે તો આવા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને નિયમિત રીતે તા. 5 સુધીમાં પગાર મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી શકે છે પરંતુ હજી આજ દિન સુધી વ્હીકલ પુલના આવા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ, ડ્રાઇવરોને ચાલુ ઓક્ટોબર મહિનો અડધો પૂરો થવા છતાં પણ હજી સપ્ટેમ્બર મહિનાનો પગાર ચૂકવાયો નથી. જેથી આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વ્હીકલ પુલના કોન્ટ્રાક્ટ પરના તમામ કર્મચારીઓ, ડ્રાઇવરો આજે એકાએક હડતાલ પર ઉતરી જતા પાલીકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આખરે સમજાવટથી હડતાલ પરત ખેંચવામાં આવી હતી.