ચાર્જ સીટ હોવા છતાં સીટી ઈજનેરની દરખાસ્ત બાદ સુરત પાલિકાનો વધુ એક અંધેર વહીવટ
Surat Corporation : સુરત પાલિકાના મહેકમ વિભાગ દ્વારા ચાર્જ સીટ હોવા છતાં સીટી ઈજનેરની દરખાસ્ત મોકલી પાલિકાના અંધેર વહિવટનો નમુનો બહાર આવ્યો છે. આ વિવાદ સમે તે પહેલાં જ સામાન્ય સભાએ સીટી ઈજનેરની નિમણૂક મંજુર કરી નથી ત્યારે નિર્ણયને રદ્દ કરવા માટે સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજુ કરી વધુ એક વખત ભાંગરો વાટ્યો છે. સીટી ઈજનેરની નિમણૂકની દરખાસ્ત પર સામાન્ય સભાએ મંજૂરીની મહોર મારી નથી ત્યારે સામાન્ય સભામાં ખાસ કેસમાં નિમણૂક રદ્દ કરતા નિર્ણયને બહાલી આપવા દરખાસ્ત રજુ થતા અધિકારીઓ પણ ચોંકી ગયા છે.
આગામી 30 એપ્રિલના રોજ સુરત પાલિકાની સામાન્ય સભા મળશે. આ સભામાં સ્થાયી સમિતિ અને વિવિધ કમિટિના કામો ઉપરાંત વિવિધ કામો સાથે સામાન્ય સભામાં સિટી ઇજનેર પદે જતીન દેસાઈની નિમણૂક રદ કરતા નિર્ણયને બહાલી આપવાની સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. સામાન્ય સભાના એજન્ડામાં સ્થાયી સમિતિ દ્વારા સિટી ઇજનેર પદે જતીન દેસાઈની નિમણૂક કરેલા ઠરાવ નં.679/2025ને ખાસ કેસ તરીકે રદ કરવાના નિર્ણયને બહાલી આપવાની દરખાસ્ત સામેલ કરવામાં આવી છે. સિટી ઇજનેર પદે જતીન દેસાઇની નિમણૂક ઠરાવ નં.679/2025થી કરવામાં આવી હતી. જ્યારે જતીન દેસાઈ સામે ખાતાકીય તપાસ ચાલુ હોવાથી ઠરાવ નં.679/2025ની અન્વયે ફેર-વિચારણાની દરખાસ્ત સંદર્ભે ઠરાવ નં.679/2025 રદ કરવાનો ઠરાવ નં.805/2025થી કરવામાં આવ્યો છે.
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ જતીન દેસાઈને ચેપ્ટર પ્રોવાઈઝોથી સીટી ઈજનેર બનાવવા માટેનો ઠરાવ મંજૂર કરાયો હતો પરંતુ આ ઠરાવને સામાન્ય સભાએ મંજૂરી આપી નથી. એટલું જ નહીં પરંતુ હજી જતીન દેસાઈને સીટી ઈજનેર તરીકે નિમણૂક ઓર્ડર પણ આપ્ય નથી. જતીન દેસાઈને સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ સ્થાયી સમિતિએ દરખાસ્ત મંજુર કરી હોય નિમણૂક આપી ન હતી.
સુરત પાલિકાની સામાન્ય સભાએ જે દરખાસ્તને મંજૂરી જ આપી નથી તેણે સીટી ઈજનેરની નિમણૂક રદ્દ કરતા નિર્ણયને બહાલી આપવા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરતા આશ્ચર્ય થયું છે. જે દરખાસ્ત સામાન્ય સભાએ મંજુર જ નથી કરી તે દરખાસ્ત સામાન્ય સભામાં કઈ રીતે મંજુર કરી શકાય તે ચર્ચાનો વિષય બની ગયો છે.