સિહોરમાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત
- ડહોળું-દુર્ગંધયુક્ત અને પોરાવાળું પાણી પીવા લોકો મજબૂર
- સામાન્ય જનતા અને આગેવાનોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાનો કકળાટ
સિહોર શહેરની ૮૦ હજારની વસતીને પીવાનું જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે ડહોળું અને દુર્ગંધયુક્ત તેમજ પોરાવાળું હોય છે. જેના કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. દૂષિત પાણીનું વિતરણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાની અનેક વિસ્તારમાંથી ફરિયાદો ઉઠી છે. આ બાબતે સામાન્ય જનતા, આગેવાનોએ અસંખ્ય વખત ફરિયાદો કરી હોવા છતાં જવાબદાર ચીફ ઓફિસર અને નગરપાલિકા તંત્ર દ્વારા લાજવાના બદલે ગાજી પ્રશ્નનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ કારણે તાવ, ટાયફોડ, મેલેરિયા, ડેન્ગ્યુ, પેટના રોગ, હાથ-પગના દુઃખાવાએ માથું ઉચક્યું છે. ત્યારે લોકોના આરોગ્યની સુખાકારી માટે ન.પા. તંત્રે ગંભીરતા દાખવી લોકોની પ્રાથમિક જરૂરિયાતના શુદ્ધ પાણીના પ્રશ્નનું વિતરણ કરે આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.