વડોદરામાં 75 તળાવ ગાયબ થઈ ગયા : વધુ એક સેવાસી પાસેનું તળાવ ગાયબ કરવાનો પ્રયાસ
Lake in Vadodara : વડોદરામાં તાજેતરમાં આવેલ પૂરના કારણે સમગ્ર પ્રજા આક્રોશિત જોવા મળી રહી છે. પૂર બાદ તંત્ર સામે અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને શહેરમાં પૂર આવવા પાછળ વિશ્વામિત્રી નદી પાસે થયેલ દબાણો તેમજ કેટલાય તળાવો પૂરીને ઓછા થયા હોવાની બૂમો ઉઠી છે. પરંતુ તેમ છતાંય પૂરની પરીસ્થિત બાદ પણ તળાવોનું પુરાણ કામ અટક્યું નથી. ગોત્રી સેવાસી રોડ પર જલસા એપાર્ટમેન્ટ સામે આવેલા નોટીફાઇડ તળાવમાં બિલ્ડર દ્વારા રાત્રીએ કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવી પુરાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેના પરિણામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે જ કોર્પોરેશનના સ્થાયી સમિતિ ચેરમેને આ અંગે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
વડોદરાના અનેક તળાવો પૂરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે હજુ પણ તળાવો પૂરવાની કામગીરી ચાલું જ હોય તેવું જોવા મળી રહ્યું છે. વડોદરા કોર્પોરેશનના નાક નીચે તળાવોમાં પુરાણ થઈ રહ્યું છે. ગોત્રી વિસ્તારના નોટીફાઇડ તળાવમાં બિલ્ડરો દ્વારા કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે,"રાત્રી દરમિયાન તળાવમાં ટ્રકો ભરીને કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ પગલાં નથી લેવાતા. અમે વિરોધ કરીએ છીએ પરંતુ છતાંય બિલ્ડરો દ્વારા દાદાગીરી કરીને તળાવમાં કન્સ્ટ્રક્શન સાઈટનો કાટમાળ નાખવામાં આવે છે.
આ મામલે સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, "અધિકારીઓને તળાવની સાફ સફાઈ કરી મકાનનો કાટમાળ દૂર કરવા સૂચના આપી છે. તેમજ જે લોકો તળાવમાં કાટમાળ નાખે છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી અને સિક્યોરિટી ગાર્ડ મુકવા પણ સૂચના આપી છે.
તો બીજી તરફ ગોત્રી સેવાસી તળાવ પુરાણ મામલે પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "તળાવોની જાળવણી અને શહેરના વિકાસમાં ભાજપ શાસકો નિષ્ફળ ગયા છે. શહેરના તળાવમાં કચરો કે કાટમાળ નાખીને પુરાણ કરાઈ રહ્યું છે. ગોત્રી સેવાસી જ નહીં પણ શહેરના અનેક તળાવોનું પુરાણ થઈ રહ્યું છે. 36 વર્ષમાં 75થી વધુ તળાવો પૂરી તેના પર વસાહત, બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટ બની ગયાં છે."