અમરેલીમાં ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું, ભાજપના પૂર્વ પ્રમુખ-કાર્યકરો સહિત 4ની ધરપકડ
Amreli News : અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
ભાજપના પૂર્વ પ્રમુખ-કાર્યકરો સહિત 4 ધરપકડ
પોલીસની માહિતી મુજબ, અમરેલીમાં ભાજપના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે કેટલાક શખસોએ બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું ઘડવાયું હતું. આ મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રમુખે સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો
મળતી માહિતી મુજબ, અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામના નકલી લેટરપેડ બનાવીને કેટલાક શખસોએ તેને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. લેટરમાં અમરેલીમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું કરાયું હતું. સમગ્ર મામલે પ્રમુખે સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'સ્થાનિક સંગઠન મંડળ પ્રમુખની નિમણુંકમાં વિક્ષેપ ઉભો કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ સાથે કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતક્ષત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેને લઈને યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સી.આર. પાટીલને રજૂઆત કરવામાં આવી હતી.'
આ પણ વાંચો: ભુજમાં કારે બાઈકને ફંગોળી, ગુજરાતમાં અકસ્માતની 3 ઘટનામાં કુલ 5ના મોત, 2 ગંભીર
વાઈરલ લેટરમાં ધારાસભ્ય પર લગાવ્યા ગંભીર આરોપ
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના વાઈરલ નકલી લેટરપેટમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો કરાયા હતા. વાઈરલ લેટર મુજબ, 'કૌશિક વેકરીયા દારૂ, રેતી સહિતના દર મહિને 40 લાખ રૂપિયાનો હપ્તો લેતા હતા.' ધારાસભ્ય પર ગંભીર આરોપો બાદ અમરેલી ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.