28000નું બિલ બાકી હોવાથી ગોત્રી વિસ્તારના ટ્રાફિક સિગ્નલનું જોડાણ વીજ કંપનીએ કાપી નાખ્યું
વડોદરાઃ વડોદરામાં હવે મોટાભાગના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલો ઉભા થઈ ગયા છે.જોકે ૨૪ કલાક ચાલતા રહેલા ટ્રાફિક સિગ્નલોનું લાઈટ બિલ પર હજારો રુપિયામાં આવી રહ્યું છે અને આ બિલ ભરવામાં પણ અખાડા થઈ રહ્યા છે.
ગોત્રી વિસ્તારમાં યશ કોમ્પ્લેક્ષ નજીકના ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલનું જોડાણ સ્માર્ટ સિટી કોર્પોરેશન દ્વારા વીજ બિલ નહીંં ભરાયું હોવાના કારણે કાપી નાંખવામાં આવ્યું હતું. જોડાણ કપાતા સીસીટીવી કેમેરા પણ બંધ થયા હતા.મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, આ ટ્રાફિક સિગ્નલનું ૨૮૦૦૦ રુપિયા બિલ બાકી હતું અને સત્તાધીશો બે મહિનાથી બિલ ભરવામાં અખાડા કરી રહ્યા હતા અને તેના કારણે શનિવારે તેનું જોડાણ કાપી નાંખવામાં આવ્યું હતું.સત્તાધીશોએ મંગળવાર સાંજ સુધીમાં વીજ બિલ ભરી દેવાની ખાતરી આપી હતી.
સૂત્રોનું કહેવું છે કે, સત્તાધીશોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, બિલ ભરાયાની પાવતી બતાવવામાં આવશે એ પછી જ વીજ પુરવઠો ફરી શરુ કરવામાં આવશે.ઉપરાંત જે ચાર રસ્તાના સિગ્નલનું જોડાણ કપાયું હતું ત્યાં સવારે અને સાંજે પીક અવર્સમાં ભારે ટ્રાફિક રહેતો હોય છે.આમ ટ્રાફિક સિગ્નલના અભાવે આ ચાર રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ રહ્યો હતો.જોકે આજે આ બિલ ભરી દેવામાં આવતા આખરે સિગ્નલ અને સીસીટીવી કેમેરા ચાલુ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, નગર પાલિકાઓ અને સરકારના બીજા વિભાગો લાઈટ બિલ ભરવામાં અખાડા કરતા હોય છે.કેટલીક વખત વીજ કંપની વારંવારની તાકીદ કર્યા પછી પણ બિલ ભરવામાં ના આવે તો નગર પાલિકાઓના સ્ટ્રીટ લાઈટના જોડાણ કાપી નાંખતી હોય છે પરંતુ વડોદરા શહેરમાં ટ્રાફિક સિગ્નલનું જોડાણ કપાયું હોય તેવો આ કદાચ પહેલો કિસ્સો છે.
૭૦૦૦૦નું બિલ બાકી હોવાથી
એરપોર્ટ સર્કલ અને સંગમ ચાર રસ્તાના સીસીટીવી કેમેરાનું જોડાણ પણ કપાયું
જાણવા મળતી વિગતો પ્રમાણે સંગમ ચાર રસ્તા અને એરપોર્ટ સર્કલ પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું પણ ચાર મહિનાનું ૭૦૦૦૦ રુપિયા જેટલું બિલ બાકી હોવાથી આ કેમેરાના જોડાણ પણ કાપી નાંખવામાં આવ્યા હતા.સૂત્રોના કહેવા પ્રમાણે બે દિવસ પહેલા જ જોડાણ કાપ્યા બાદ આજે સ્માર્ટ સિટી કોર્પોરેશન દ્વારા પૈસા ભરવામાં આવ્યા હતા અને આ જોડાણ ફરી ચાલુ કરાયા હતા.સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા ચાલુ રહે તે બહુ જરુરી છે પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધીશોએ ચાર મહિના બિલ નહીં ભરીને ઘોર બેદરકારી દાખવી છે.