Get The App

કોંગ્રેસવાળા હવે સ્ટેજ પર બેસે છે અને ભાજપવાળા પાથરણા ઉપાડે છે

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
કોંગ્રેસવાળા હવે સ્ટેજ પર બેસે છે અને ભાજપવાળા પાથરણા ઉપાડે છે 1 - image


હેમાબેન બાદ વધુ એક બુઝૂર્ગ જનસંઘી અશ્વિનભાઈ મણિયારનો વલોપાત : જો તમે રોડપતિ હોવ અને કરોડપતિ થવું હોય તો ભાજપમાં જોડાઈ જાવ, લોકશાહીનું હનન થઈ રહ્યું છે : જેને સંઘના સંસ્કારો કે પાર્ટી લાઈન સાથે લેવાદેવા નથી તેવાને ટિકિટ આપી દીધી છે, ભાજપની હાલત કોંગ્રેસથી પણ ખરાબ થવાની છે

જૂનાગઢ, : હેમાબેન આચાર્ય બાદ જનસંઘના વધુ એક વૃધ્ધ કાર્યકરે તેમનો બળાપો કાઢ્યો છે. 'મનપાની ચૂંટણીમાં ભાજપે જેને ટિકિટો આપી છે તે આરએસએસના સંસ્કારોવાળા કે પાર્ટી લાઈનના લોકો નથી. ભાજપના જૂના કાર્યકરોને સાઈડલાઈન કરી નાખવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા સ્ટેજ પર બેસે અને ભાજપવાળા પાથરણા ઉપાડવામાં રહ્યા છે...' આ શબ્દો છે જનસંઘના પ્રખર કાર્યકર અને વકીલ અશ્વિનભાઈ મણીયારના.

ભાજપની નીતિ-રીતિ સામે જૂના ભાજપીઓ કે જેમણે ભાજપને બેઠું કરવામાં અથાગ મહેનત કરી છે તેવા લોકો આજે મનપાની ચૂંટણી સમયે વર્તમાન સ્થિતિ જોઈ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ૯ર વર્ષના હેમાબેન આચાર્યએ જે પોતાની વેદના વ્યક્ત કરી તેના ગુજરાત નહી પરંતુ દિલ્હી સુધી પડઘા પડયા હોવાનું ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે. કેમ કે, હેમાબેનના એક એક શબ્દની સંઘ અને પાર્ટીએ ગંભીરતાપૂર્વક નોંધ લેવી પડે છે. હેમાબેન બાદ આજે જનસંઘના કાર્યકર અને જેઓએ ચિમન શુકલ, સૂર્યકાંતભાઈ આચાર્ય સહિતનાઓ સાથે કામ કર્યું છે તેવા અશ્વિનભાઈ મણીયારે હેમાબેનની વાતને સમર્થન આપી કહ્યું છે કે, 'આજે ભાજપમાં એવી સ્થિતિ છે કે, કોંગ્રેસમાંથી આવેલા લોકો સ્ટેજ પર અડીંગો જમાવી બેસી જાય છે, જૂના ભાજપીઓને પાથરણા ઉપાડવા પડે છે. જ્યારે ભાજપનો પાયો નાખ્યો ત્યારે ગુંડાગીરી નાબુદ સમિતિ, નારી સુરક્ષા સમિતિ, ઝુંપડપટ્ટી બચાવ સમિતિ હતી, હવે આવી સમિતિ અને ભાજપનો પાયો નાખનાર સાઈડલાઈન થઈ ગયા છે.

'છેલ્લા ઘણા સમયથી જે લોકો ભાજપમાંથી ચૂંટણી લડે છે તેને સંઘ કે પાર્ટી સાથે લેવાદેવા નથી, બિલ્ડરોની દલાલી કરી ધાકધમકી આપી કહે છે કે સરકાર અમારી છે. હવે એવું કહેવું પણ વધારે અતિશ્યોક્તિભર્યું નથી કે જો તમે રોડપતિ હોવ અને કરોડપતિ થવું હોય તો ભાજપમાં જોડાઈ જાવ. હાલની સ્થિતિ મુજબ લોકશાહીનું હનન થઈ રહ્યું છે. સંઘના સંસ્કારોવાળા કે પાર્ટી લાઈનના લોકોને ભાજપમાં ગણકારતા નથી. આવી સ્થિતિના કારણે આગામી થોડા જ સમયમાં હાલ જે કોંગ્રેસની હાલત છે તેનાથી પણ ખરાબ હાલત ભાજપની થવાની છે તેમાં કોઈ શંકા નથી. જો ભાજપને બચાવવો હોય તો ફરીથી સંઘ સંસ્કારવાળા જ બચાવી શકશે.'

ભાજપનાં બેવડાં ધોરણોથી આગેવાનો મુશ્કેલીમાં મુકાયા

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રચાર માટે પ્રદેશ ભાજપ દ્વારા સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફોર્મ ભર્યા બાદ કાર્યાલય પ્રારંભે સભા કરવી, તા.પથી ૧૪ ફેબુ્રઆરી દરમ્યાન વિવિધ મોરચા દ્વારા અલગ-અલગ કાર્યક્રમ કરવા, આ સમય દરમ્યાન પત્રિકા વિતરણ, લાભાર્થીઓ સાથે સંપર્ક કરવો, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના તથા રાષ્ટ્રવાદ, હિન્દુત્વના મુદ્દાઓ પર સોશ્યલ મીડિયામાં પ્રચાર કરવો, કોલ સેન્ટર દ્વારા પ્રાથમિક સભ્ય તથા લાભાર્થીઓને સંપર્ક કરવા સહિતનું પ્રચાર અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રચાર અભિયાનની જૂનાગઢમાં જૂના ભાજપીઓ દ્વારા જ ટીકા કરવામાં આવી રહી છે કે, લોકો કહી રહ્યા છે કે હિન્દુત્વના નામે કઈ રીતે પ્રચાર કરવો ? કેમ કે એક જ વોર્ડમાં એક જ ઘરમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓને ટિકિટ આપી છે. એક તરફ ભાજપ પરિવારવાદનો વિરોધ કરે છે તો એવી શું મજબુરી હતી કે એક જ પરિવારમાં ત્રણ-ત્રણને ટિકિટ આપવી પડી ? તેવા ભાજપના આગેવાનોને લોકો સવાલો પુછી રહ્યા છે.


Google NewsGoogle News