પાલિકા તંત્ર ઉંઘતુ રહ્યું અને કોંગ્રેસના કાર્યકરે પાલિકા કેમ્પસમાંથી ડીઝલ ચોરી અને દારૂની બોટલો ઝડપી પાડી
સુરત પાલિકાના કતારગામ વાહન ડેપોમાંથી ડિઝલ ચોરી સાથ દારુના અડ્ડા જેવો માહોલ હોવાનો પર્દાફાર્શ કોંગ્રેસના કાર્યકરે કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો કેટલાક લોકો સાથે મળીને વાહન ડેપોમાં જનતા રેડ કરી હતી. આ જનતા રેડ બાદ કોંગ્રેસના એન.એસ.યુ.આઈ.ના પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે રાત્રીના નવ વાગ્યે ડેપો ઈનચાર્જ 100 લીટર ડિઝલ ચોરી સગેવગે કરતા હતા અને કેમ્પસ માંથી દારૂની ખાલી સંખ્યાબંધ બોટલો મળી આવી છે જેના કારણે અહીં અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે. આ ઉપરાંત કર્મચારીઓ સામે પગલાં ન ભરવામાં આવે ત્યાં સુધી ધરણાં ની ચીમકી કોંગ્રેસ દ્વારા આપવામા આવી છે.
સુરત પાલિકાના કતારગામ વાહન ડેપોમાં ડીઝલ ચોરી ઉપરાંત સામાન સગેવગે થતો હોવાની માહિતી સુરત કોંગ્રેસના એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ ને મળી હતી. તેઓએ ગઈકાલે રાત્રે વાહન ડેપો પર જનતા રેડ કરી હતી. ત્યાર બાદ પ્રમુખ ધીરેન્દ્ર સોલંકીએ કહ્યું હતું કે, કતારગામ ડેપો જેના ઇન્ચાર્જ સંજયભાઈ બોરસે ઘ્વારા અવાર નવાર ડીઝલ ચોરી કરવાનું અને ડેપો માં પડેલ સામાની ચોરી કરી વેચવાનું કામ કરવામાં આવતું હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ ગઈકાલે રેડ કરવામાં આવતા એક ડીઝલ નો ડબ્બો અને ખાલી દારૂની બોટલ મળી આવી હતી.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ રેડની જાણ ડેપો ઇન્ચાર્જ થતાં સ્થળ પરથી અલગ અલગ જવાબ આપી ભાગી ગયાં હતા. ડેપો ઈનચાર્જ સંજય બોરસે છે તેઓએ રાત્રે નવ વાગ્યે ડેપો પર કામ છે તેમ કહીને 100 લીટર જેટલું ડિઝલ સગેવગે કરવા જતા હતા તેઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ડિઝલને ઓફિસમાં સંતાડી ભાગી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, અમારા દ્વારા કતારગામ પોલીસને જાણ કરી સ્થળ પર બોલાવી અરજી આપવામાં આવી હતી પરંતુ કોઈ પગલાં ભરવામા ંઆવ્યા ન હતા. તેથી રાત્રીના સમયે ધરણા કરવામા આવ્યા હતા. જ્યાં સુધી કર્મચારીઓ પર પગલા નહી ભરવામા આવે ત્યાં સુધી ધરણાની ચીમકી આપી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેમ્પસમાં વધુ તપાસ કરતા કેમ્પસ માંથી સંખ્યાબંધ દારૂની ખાલી બોટલો મળી આવી હતી.આ જગ્યાએથી દારુની બોટલ મળી આવી છે તેથી આ જગ્યાએ દારૂની મહેફીલ થતી હોય તે શક્યતા નકારી શકાતી નથી. પાલિકાના કેમ્પસમાંથી દારુની બોટલ મળી આવી છે તેના માટે મેયર અને કમિશનર કોઈ જવાબ આપે છે કે નહીં તે જોવું રહ્યું. આ ઉપરાંત આ ડેપોમાં કરોડો રૂપિયાના વાહન છે તેમ છતાં કોઈ સીસી ટીવી નથી અને સિક્યુરીટીના નામે એક કર્મચારી છે.
આ અંગે પાલિકાના અધિકારીઓને રજુઆત કરવામાં આવશે ત્યાર બાદ પગલાં નહીં ભરવામાં આવે તો અમારે પગલાં ભરવા પડશે તેવી ચીમકી આપી હતી.