Get The App

કોંગ્રેસે કોર્પોરેશનોનેી ચૂંટણીની તૈયારીઓ શરૃ કરી ચૂંટણી ઢંઢેરો વહેલો બહાર પાડી ભાજપનો ભ્રામક પ્રચાર તોડશે

પાંચ વર્ષમાં કોર્પોરેશનના શાસકોએ ૨૫ હજાર કરોડ ક્યાં વાપર્યા? વિશ્વામિત્રીના પટ વેચી દેનારાઓને જેલ કરો ઃ રામકૃષ્ણ ઓઝા

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસે કોર્પોરેશનોનેી ચૂંટણીની તૈયારીઓ શરૃ કરી  ચૂંટણી ઢંઢેરો વહેલો બહાર પાડી ભાજપનો ભ્રામક પ્રચાર તોડશે 1 - image

વડોદરા, તા.20 ગુજરાતમાં ચાલુ વર્ષના અંતે મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૃ કરી દીધી છે. વડોદરા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મધ્ય ગુજરાતના પ્રભારી રામકૃષ્ણ ઓઝાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ કોર્પોરેશનોની ચૂંટણીનો ઘોષણાપત્ર છ મહિના પહેલા બહાર પાડીને ભાજપના ભ્રામક પ્રચારને તોડી બતાવશે.

તેમણે કહ્યું કે વડોદરા કોર્પોરેશનનું બજેટ આશરે ૪૮૦૦ કરોડનું છે, એટલે પાંચ વર્ષના આશરે ૨૫,૦૦૦ કરોડ થાય. આ ૨૫ હજાર કરોડ વાપર્યા તે જવાબ માગીશું. ૨૫ હજાર કરોડમાં વડોદરા ચમન બની જાય.

ભ્રષ્ટાચાર કરવો જ હોય તેના બીજા માર્ગો પણ છે, પરંતુ કમસેકમ શહેરને તો છોડી તો એવો ટોણો મારતા રામકૃષ્ણે ઉમેર્યું કે, આ વખતે શાસકોની બેદરકારીને લીધે શહેરમાં વિશ્વામિત્રીના પ્રકોપથી લોકો ખૂબ હેરાન થયા. જમીનો અને તળાવો વેચી માર્યા. પાયાની સુવિધાઓ પરત્વે આંખ મીચામણા કર્યા. નદી નાળા બંધ કરી દીધા. બિલ્ડરોના લાભાર્થે રસ્તા પહોળા કર્યા. કોન્ટ્રાકટરોને ફાયદો અપાવવા માટે તળાવો સુંદર બનાવવાના કામો આપ્યા. કોન્ટ્રાકટરોએ તળાવો ફરતે કોંક્રિટના આવજણ ચડાવી તળાવો પૂરી દીધા અને બદલામાં લોકોનેે તકલીફો મળી. વિકાસના નામે વેચાણ કરી દીધું. જનતા હવે બધુ સમજી ગઈ છે.

તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે ભાજપના અને ખાસ તો સોશિયલ મીડિયા પર થતા ભ્રામક પ્રચારને તોડવા ટીમ કાર્યરત કરીશું.

એક પ્રશ્નના ઉત્તરમાં ઓઝાએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર કરી વિશ્વામિત્રી નદીના પટ વેચી દેનારાઓ સામે મોદી અને અમિત શાહે કાર્યવાહી કરીને જેલમાં ધકેલી દેવા જોઈએ. જો તેઓ નહીં કરે તો કોંગ્રેસની સરકાર આ કામ કરશે.




Google NewsGoogle News