ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા: મોરબી અને રાજકોટના પીડિતોને ન્યાય અપાવવા માંગ, રાહુલ ગાંધી પણ જોડાશે!
Gujarat Nyay Yatra : ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબી બ્રિજ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા માટે 9 ઓગસ્ટથી ન્યાય યાત્રા કાઢવામાં આવશે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને ગાંધીનગર ખાતે પહોંચશે. મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.
લોકોની રજૂઆતને ભાજપના પાપના ઘડામાં નાખી અંતે ઘડો ફોડી નાખશે
આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે. જેમાં લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.
લાલજીભાઈ દેસાઈએ શું કહ્યું
કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે, '9 ઓગસ્ટે ક્રાંતિ દિવસે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારને સાથે રાખીને મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરીશું. જેમાં રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ સામેલ થશે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવીને મોરબીના ઝૂલતા પુલથી સવારે 9 વાગ્યે યાત્રા નીકળશે. આ પછી ટંકારા અને ટંકારાથી ગૌરીદડ, રતનપર રોકાશે. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ રાજકોટ TRP ગેમ ઝોન સ્થળ પર સંવેદના સભા રાખવામાં આવશે. 12 ઓગસ્ટે રાજકોટમાં યાત્રા ફરીને પછી 13 ઓગસ્ટે રાજકોટથી નીકળીને સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદના ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર પહોંચશે. 100થી વધુ લોકો પદયાત્રામાં જોડાશે અને રોજનું 25 કિલોમીટર જેટલું અંદર કાપવામાં આવશે. આ યાત્રામાં ભાજપનો પાપનો ઘડો નામથી એક ઘડો રાખવામાં આવશે. જેમાં લોકોના પ્રશ્નો અને રજૂઆત કરશે.'
દેશભરના નેતાઓ યાત્રામાં જોડાશે
દેશભરના નેતાઓ આ ન્યાય યાત્રામાં જોડાશે, ત્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને ન્યાય યાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન રાહુલ ગાંધી યાત્રામાં કોઈ જગ્યાએ જોડવાના એંધાણ છે.
જીગ્નેશ મેવાણીએ શું કહ્યું
મોરબીથી ગાંધીનગર સુધી યોજાવા જઈ રહેલી યાત્રાને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહ્યું હતું કે, 'પીડિત પરિવારોને ન્યાય આપવામાં આવતો નથી. ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકાર પાસે ન્યાયની અપેક્ષા કરવી નકામી છે. તેવામાં TRP ગેમઝોન અગ્નિકાંડાના આરોપી અધિકારીઓને ક્લીનચિટ આપી છે, ત્યારે અમને ખબર છે કે ભાજપ દ્વારા કોઈ પ્રકારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારી તપાસ સમિતિમાં નહીં આવે ત્યાં સુધી યોગ્ય તપાસ થશે નહીં. પીડિતોને ન્યાય અપાવવા અમે લડીશું અને તેમની સાથે ઉભી રહેશું. સાગઠિયાએ ભાજપના પદાધિકારીઓના નામ આપ્યાં છતાં એકપણની ધરપકડ કરવામાં આવી નથી. ગુજરાતમાં બે મોટી દુર્ઘટના પછી પણ સરકારનું પેટનું પાણી હલતુ નથી.'