Get The App

કોંગ્રેસ વાવ બેઠક પર છેલ્લા દિવસે ઉમેદવારના નામની ઘોષણા કરશે, પહેલે આપ,પહેલે આપ જેવી સ્થિતિ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ વાવ બેઠક પર છેલ્લા દિવસે ઉમેદવારના નામની ઘોષણા કરશે, પહેલે આપ,પહેલે આપ જેવી સ્થિતિ 1 - image


Vav Seat: બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે ભાજપ કોને ચૂંટણી મેદાને ઉતારે છે તેના પર કોંગ્રેસની નજર ઠરી છે. સૂત્રોના મતે, કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારના નામની ઘોષણા કરશે. 

ભાજપ કોને ચૂંટણી મેદાને ઉતારે છે તેના પર કોંગ્રેસની નજર, પ્રદેશ નેતાગીરી સાથે બેઠકો જારી

વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર તા. 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે મૂરતિયાની શોધખોળ આદરી છે. આ તરફ, કમલમમાં બેઠક બાદ દાવેદારોના નામ દિલ્હી હાઇકમાન્ડને મોકલી દેવાયા છે. જ્યારે કોંગ્રેસમાં પણ કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે. 

આ પણ વાંચો: વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી, હવે કોને ટિકિટ મળશે? આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં

વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 23મી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે એકાદ-બે દિવસ બાકી રહ્યા છે. 

સૂત્રોનું કહેવુ છેકે, ભાજપ ઉમેદવાર જાહેર કરે ત્યાર બાદ જ કોંગ્રેસ મૂરતિયો કોણ છે તે નામની ઘોષણા કરશે. મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રદેશ નેતાઓ સાથે વાવના દાવેદારો સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી. વાવ બેઠક પર ઠાકરશી રબારી અને ગુલાબસિંહ રાજપૂત મજબૂત દાવેદારો મનાઇ રહ્યાં છે. કોંગ્રેસ હાઇકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે એકાદ દિવસમાં જ ખબર પડશે.

આ પણ વાંચો: મારે પણ ચૂંટણી લડવી છે; વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપમાં 20થી વધુ દાવેદાર, નિરીક્ષકો મૂંઝવણમાં મુકાયા

કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે. 

વાવ બેઠક પર ભાજપના દાવેદારો

સ્વરૂપજી ઠાકોર

તારાબેન ઠાકોર

અમથુજી ઠાકોર

કરશનજી ઠાકોર

ગગજી ઠાકોર

વીરાજી ઠાકોર

દિલીપ વાઘેલા

રજનીશ ચૌધરી

મુકેશ ઠાકોર

શૈલેષ ચૌધરી

લાલજી પટેલ

રજની પટેલ

ગજેન્દ્રસિંહ રાણા

આ પણ વાંચો: ગેનીબેનની વાવ વિધાનસભા બેઠક : કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ, ભાજપ માટે અસ્તિત્વનો જંગ

વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. 

વાવ બેઠક માટે 13 થી 20 નવેમ્બર સુધી અનુમાનો પર પ્રતિબંધ મૂકાયો

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નિયમનો ભંગ કરનાર સામે આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે.

એક્ઝિટ પોલ કરી શકાશે નહીં, મતદાન પૂર્ણ થતું હોય તે સમય પહેલાં 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પણ નહીં

જેના અનુસંધાને રાજ્યમાં 13મી નવેમ્બરથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. 


Google NewsGoogle News