વડોદરાના નિઝામપુરામાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂખી કાંસ ખુલ્લી કરવા માગ, કોંગ્રેસ કરશે દેખાવો
Vadodara Corporation : વડોદરાના છાણીથી નીકળતો વરસાદી ભૂખી કાંસ જે નિઝામપુરામાં ટ્રાન્સપોર્ટ હબ પાસે જે પુરાઈ ગયો છે તે ખુલ્લો કરવાની માંગણી સાથે આજે સાંજે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવનાર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપરાંત વિવિધ વરસાદી કાંસો ઊંડા અને પહોળા કરવાની કામગીરી હાથ ધરી છે, તેમાં 40 કરોડના ખર્ચે શહેરના ઉત્તર ઝોનમાં છાણીથી સયાજીગંજ સુધી પસાર થતાં ભુખી કાંસને ઊંડો અને ડાઈવર્ટ કરવાની જે યોજના બનાવી છે તેનો કોંગ્રેસ દ્વારા ગઈકાલથી વિરોધ કરવાનું શરૂ કર્યું છે.
કોંગ્રેસની માંગણી છે કે ભૂખી કાંસ ડાઈવર્ટ કરવાની કામગીરી અયોગ્ય છે, અને કાંસ જે પુરાઈ ગયો છે તે જો ખુલ્લો કરી દેવામાં આવે તો વરસાદી પાણીનો કુદરતી રીતે નિકાલ થઈ શકે અને કરોડોના પ્રજાકીય વેરાનો ખર્ચ થતો અટકે. વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ ટ્રાન્સપોર્ટ હબ જ્યારે ન હતું ત્યારે છાણી બાજુથી આવતું વરસાદી પાણી કુદરતી રીતે વહી જતું હતું, પરંતુ ટ્રાન્સપોર્ટ હબ જ્યાં બનાવ્યું છે તે પ્લોટમાં પહેલા ભૂખી કાંસ પસાર થતો હતો, તેનું પુરાણ કરીને ત્યાં ટ્રાન્સપોર્ટ હબ બનાવ્યો છે જ્યારે કાંસ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે, અને તેના પર સ્લેબ બાંધી દેતા પાણીના વહેણ પણ અટકી ગયા છે. સાંકડો કાંસ માત્ર નાના ભૂંગળા મૂકીને તેમાંથી વરસાદી પાણી નો નિકાલ કરવા પ્રયાસ કરે છે, પરંતુ પાણી નીકળતું જ નથી. આ ભૂંગળામાં પણ કચરો જામી ગયો છે. બાજુમાં સીએનજી પંપ પાસે કાંસમાં કાટમાળ નાખીને પુરાણ કરી દેવાયું છે. હજુ બે દિવસ પહેલા વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે ભૂખી કાંસ ખુલ્લો કરવો જોઈએ અને 1976 ના મૂળ સ્વરૂપે તેમાં પાણી વહે તે પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા થવી જોઈએ.