માવજી પટેલના સસ્પેન્શન પર ગેનીબેને કહ્યું- 'ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા, આ માત્ર દેખાવ છે'
Banaskantha Vav By-Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનો ત્રિપાંખીયો જંગ પણ રસપ્રદ બની રહ્યો છે. ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ મેદાને છે. જોકે, ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. વાવની પેટાચૂંટણી પહેલાં જ ભાજપે માવજી પટેલ સહિતના પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધાં છે. જો કે, ભાજપની આ કાર્યવાહીને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ષડયંત્ર ગણાવી છે.
ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા છે. વર્ષ 2022માં એ જ આખો સમાજ હતો, જે એમના એક વ્યક્તિના ઈશારે 90 ટકા વોટ ભાજપને આપ્યા હતા. એ જ ઉમેદવાર અને એ જ પક્ષ હતો. સસ્પેન્ડ કરે કે ન કરે એ ભાજપનો મામલો છે. સસ્પેન્શન ભાજપની એક રાજનીતિનો જ ભાગ છે. અપક્ષમાં ફોર્મ ભર્યું ત્યારે સસ્પેન્ડ કર્યા હોત તો લોકો માનતા પણ આ માત્ર દેખાવ છે. માવજી પટેલને સસ્પેન્ડ કરવાનું માત્ર નાટક છે. મતદાનના બે દિવસ પહેલા કેમ કાર્યવાહી કરી? માવજી પટેલ ભાજપના માણસ છે. માવજી પટેલને કોણે ઉભા રાખ્યા તે લોકો જાણે છે.'
ચૂંટણીના બે દિવસ પહેલા માવજી પટેલ સહિતના બળવાખોરોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવા મુદ્દે માવજી પટેલે પલટવાર કર્યો છે તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને ષડયંત્ર ગણાવી છે. જેને લઈને વાવની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્યારે આ કહેવાતા બળવાખોરો આખરે કોને ભારે પડે છે તેતો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.
સસ્પેન્શન બાદ માવજી પટેલનો ભાજપને સણસણતો જવાબ
વાવ બેઠકની પેટાચૂંટણીને આડે હવે ફક્ત બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે ઊંઘમાંથી અચાનક જાગેલી ભાજપને પક્ષના બળવાખોર ઉમેદવાર માવજી પટેલને સસ્પેન્ડ કરવાનું યાદ આવ્યું અને તાબડતોબ સસ્પેન્ડ કર્યા. આ મુદ્દે વાવ બેઠકના અપક્ષ ઉમેદવાર અને ભાજપના સસ્પેન્ડ કરાયેલા અગ્રણી માવજી પટેલે ભાજપને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'અમે પાર્ટીની નહીં, પ્રજાની મહેરબાનીએ જીવીએ છીએ. ભાજપનું કામ ભાજપ કરે, અમારું કામ અમે કર્યું છે. શું કરવું અને શું ના કરવું એ મારા હાથની વાત છે. ભાજપે કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. ભાજપે કશું આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે ? હું ભાજપમાં કંઈ હતો પણ નહીં, ભાજપ મને શું સસ્પેન્ડ કરે, મેં જે દિવસે ફોર્મ ભર્યું ત્યારથી જ હું ભાજપનો નથી. મારી પાઘડીની લાજ ભગવાન રાખશે.'
અમે જંગલમાં તૈયારી સાથે જ નીકળ્યા છીએ: માવજી પટેલ
માવજીભાઈ પટેલે વધુમાં કહ્યું કે, 'લાલજીભાઈને પણ સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેમને પણ કશું ભાજપે આપ્યુ નથી. આપ્યું તો જામાભાઈને પણ કશું નથી. ભાજપ ગમે તે પગલું ભરે, અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળાય. સિંહ સામે આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું. અમે કોઈ પાર્ટીની મહેરબાની પર નથી જીવતા અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ.
આ પણ વાંચો : ગેનીબેનનો રાજકીય ગ્રાફ ગગડાવવા ભાજપ 'શામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવવા તૈયાર
ભાજપે માવજી પટેલ સહિત પાંચને કર્યા સસ્પેન્ડ
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસ સુધી ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર નહતું કર્યું. બાદમાં અંતિમ ઘડીએ પાર્ટીએ સ્વરૂપજી ઠોકોરને મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતાં. પરંતુ, ભાજપના કાર્યકર માવજી પટેલને ભાજપ તરફથી ચૂંટણી લડવાની આશા પૂરી ન થતાં તેઓએ પાર્ટી સામે બળવો કરી પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, માવજી પટેલની આ કાર્યવાહી સામે ભાજપે પણ વળતી કાર્યવાહી કરી છે. ચૂંટણી પહેલાં જ ભાજપે માવજી પટેલ સહિત બળવો કરનાર બનાસકાંઠાના પાંચ નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
ભાજપે રવિવારે (10 નવેમ્બર) જાહેર કરેલી યાદીમાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પાંચ સભ્યોને ગુજરાત રાજ્ય અધ્યક્ષ સી.આર પાટીલની સૂચનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કયાં નેતા કરાયા સસ્પેન્ડ?
- માવજી પટેલ( ડિરેક્ટર, બનાસ બેન્ક)
- લાલજી હમીરભાઈ ચૌધરી(પટેલ) ( પૂર્વ ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ)
- દેવજી પ્રેમાભાઈ પટેલ ( પૂર્વ ચેરમેન, જિ.ખ.વે.સંઘ, ડિરેક્ટર જિ.ખ.વે.સંઘ)
- દલરામ નાગજીભાઈ પટેલ ( ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ)
- જામાભાઈ ભુરાભાઈ પટેલ( પૂર્વ મહામંત્રી, સુઇગામ તાલુકો)