Get The App

ગેનીબેન ઠાકોરનું ચોંકાવનારું નિવેદન, બોલ્યા- 'વાવનું ખેતર ગુલાબસિંહને કાયમ માટે લખી નથી આપ્યું....'

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ગેનીબેન ઠાકોરનું ચોંકાવનારું નિવેદન, બોલ્યા- 'વાવનું ખેતર ગુલાબસિંહને કાયમ માટે લખી નથી આપ્યું....' 1 - image


Vav Assembly By Election : આગામી 13 નવેમ્બરના રોજ યોજાનારી બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. ત્યારે આજે (7 નવેમ્બર 2024) વાવમાં કોંગ્રેસ દ્વારા મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી સંકેત આપ્યા છે કે ગુલાબસિંહ 2027ની ચૂંટણી નહીં લડે. કારણ કે ગેનીબેન એવું બોલ્યા છે કે 'ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર લખી આપ્યું નથી. માત્ર ત્રણ વર્ષ માટે હટાણું આપેલું છે.' ગેનીબેનના આ નિવેદનને બે રીતે જોઈ શકાય. એક તો તેમણે ગુલાબસિંહને આડકતરી રીતે ચિમકી આપી છે કે પ્રજાના કામ કરવાના છે નહીતર પાર્ટી મોં ફેરવી લેશે. બીજું ગુલાબસિંહ આયાતી હોવાનો મુદ્દો ભાજપે ઉછાળ્યો છે ત્યારે ગેનીબેને સંકેત આપ્યા છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં બીજાને પણ મોકો મળી શકે છે.

ગુલાબભાઇને કાયમ માટે વાવનું ખેતર નથી લખી આપ્યું : ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોર બે દિવસ પહેલા ભાઈબીજના દિવસે બોલ્યા હતા કે, 'ગુલાબસિંહ માટે ત્રણ વર્ષ માંગું છું.' પરંતુ આજે (ગુરૂવાર) ગેનીબેને જાહેર સભામાં કહ્યું કે, 'વાવનું ખેતર ત્રણ વર્ષ માટે ગુલાબસિંહને આપ્યું છે. તમામ પ્રકારના પાસાથી વિચાર કર્યા પછી પણ ગુલાબભાઈને વાવનું ખેતર કાયમ માટે લખી આપેલું નથી. માત્ર ત્રણ વર્ષ માટે હટાણું આપેલું છે. તેના પછી કોઈ લેવાદેવા નથી હો... ત્રણ વર્ષ પછી જ્યાં તમારે જવું હોય ત્યા જશો, રેવા દેવું હોય તો રેવા દેજો. પછી વાવમાં ત્રણ વર્ષે અમારું ખેતર છૂટું કરી દઈશું. પછી આપણામાંથી જ કોઈ નવું આ વિસ્તારનું નેતૃત્વ કરશે. આ પાંચ વર્ષ માટે નહીં પરંતુ ત્રણ વર્ષ માટેની ચૂંટણી છે.'

આ પણ વાંચો : ગેનીબેનનો રાજકીય ગ્રાફ ગગડાવવા ભાજપ 'શામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવવા તૈયાર

ગુલાબસિંહનું રિચાર્જ ત્રણ વર્ષ માટે કર્યું છે : ગેનીબેન ઠાકોર

વધુમાં ગેનીબેને કહ્યું હતું કે, 'આપણે કોઈ મોબાઈલની દુકાને રિચાર્જ કરાવવા માટે જઈએ ત્યારે પૂછીએ કે રિચાર્જની વેલિડિટી કેટલી છે. તો તેઓ કહે બે મહિના...ત્રણ મહિના...બે વર્ષ...ત્રણ વર્ષ... તો આપણને ત્રણ વર્ષ માટે રિચાર્જ કરી આપો. ગુલાબસિંહનું રિચાર્જ ત્રણ વર્ષ માટે કર્યું છે. વેલિડિટી પૂર્ણ થયા પછી કંઈ નક્કી નહીં. જો બરોબર ચાલશે તો બરોબર છે, નહીતર આગળ કંઈ થશે નહીં.'

આ પણ વાંચો : વાવ વિધાનસભા બેઠક: ચૂંટણીનું ચિત્ર વેર-વિખેર કરી નાખશે માવજી પટેલ, ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડશે?

જેનો ભૂતકાળ-વર્તમાન સારો છે, તેનું ભવિષ્ય સારું જ હશે : ગેનીબેન ઠાકોર

વધુમાં ગેનીબેને કહ્યું હતું કે, 'આપણે ભેંસ કે ગાય લેવા જઈએ ત્યારે તેનું પૂંછડું... તેના શિંગડા... મારકણી છે કે નહીં તેના માપદંડ નક્કી કર્યા પછી આપણે 50 હજાર લાખનું પશુ ખરીદતા હોઈએ છીએ. આપણે ત્રણ લાખ લોકોના પ્રતિનિધિ ચૂંટવાના છે ત્યારે તેનું ખાનદાન, વ્યવહાર કેવો છે. તમે ગુલાબભાઈને વહીવટ કરતા જોયા છે. જેનો ભૂતકાળ સારો છે અને જેનું વર્તમાન સારું છે તેનું ભવિષ્ય સારું જ હશે. હું કોંગ્રેસ પાર્ટી અને ગુલાબભાઈ વતી ખાતરી આપું છું કે દલિત સમાજને કોઈ અન્યાય નહીં થાય. પંજાને મત આપીને ઉમેદવાર બનાવો.'


Google NewsGoogle News