ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ટૂંકી મુદતના પ્રશ્નો કાઢી નાખવાના મુદ્દે વોક આઉટ, ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Congress MLA


Gujarat Assembly Monsoon Session 2024 :  ગુજરાત વિધાનસભામાં બુધવારથી શરૂ થયેલા ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાંથી વૉક આઉટ કરવામાં આવતાં તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્ર શરૂ થતાં શરૂઆતની 21 મિનિટ સુધી ગૃહમાં હોબાળો થયો હતો. 

ત્રણ દિવસના વિધાનસભાના સત્રમાં સત્રના બીજા દિવસે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યના 12 જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમનો એક પણ પ્રશ્ન ગૃહમાં દાખલ ન થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ હલ્લાબોલ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો બેનરો સાથે ગૃહમાં પહોંચ્યા હતા અને એકસૂત્રતા સાથે રજૂઆત કરી હતી. 

કોંગ્રેસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે આક્ષેપ કરતા ગૃહમાં જણાવ્યું કે ગત રોજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ગુલાબસિંહ ચૌહાણનો દાહોદ જિલ્લાનો પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો હતો અને પાછળથી જાણ કરવામાં આવી હતી કે પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો છે. આજે અમારા 12 પ્રશ્નો હતાં પરંતુ આમારો એક પણ પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી અને માત્ર બે પ્રશ્ન એ પણ શાસક પક્ષના દાખલ કરવામાં આવ્યા છે.  અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે વિધાનસભાના નિયમ હેઠળ ટૂંકી મુદતના પ્રશ્નમાં મંત્રીની સહમતિ બાદ જ પ્રશ્ન દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સૂત્રોચાર કરીને ગૃહમાંથી વોક આઉટ કરવામાં આવ્યું હતું.

કોંગેસના ધારાસભ્યો દ્વારા હલ્લાબોલ કરવામાં આવતાં કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બહુમતીને આધારે વિધાનસભાના અધ્યક્ષે એક દિવસ માટે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. 

કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રજાના પૈસે સરકારી નોકરીયાતોનો પગાર કરે છે અને પ્રજાના પ્રશ્નો ગૃહમાં દાખલ કરવામાં આવતા નથી. લોકશાહીની હત્યા કરવાનું કામ ગુજરાત વિધાનસભામાં થઈ રહ્યું છે. ગુજરાતમાં જમીન કૌભાંડનો પ્રશ્ન, સાયકલ કૌભાંડનો પ્રશ્ન અધ્યક્ષની કચેરીથી દાખલ થાય છે. મંત્રીઓ ગેરવહીવટ છુપાવવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નોના નામંજૂર કરે છે જવાબ આપતી નથી. સરકાર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે 10 દિવસનું સત્ર બોલાવતી નથી તેમજ પ્રશ્નો દાખલ કરતી નથી, જેથી અમે ગૃહમાંથી વોક આઉટ કર્યો છે.


Google NewsGoogle News