ગીર સોમનાથ કોંગ્રેસના MLA પર અંદરખાને ભાજપને મદદ કરવાનો આરોપ, 'ચૂંટણી આવે એટલે ભાગી જાય છે'
Gir Somnath Congress : ગુજરાત કોંગ્રેસમાં વારંવાર થતાં આંતરિક વિખવાદો અને વિવાદોના કકળાટના સમાચારો અવાર-નવાર હેડલાઇનમાં છવાયેલા રહે છે. તાજેતરમાં દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 1 સીટ જીતવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસ ધીમે ધીમે મજબૂત બનતી જાય છે. પરંતુ અંદરખાને ચાલી રહેલો કલેશ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આવા જ એક સમાચાર ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વિરૂદ્ધ પોતાની જ પાર્ટીના નેતાએ ગંભીર આરોપો લગાવતાં બળાપો ઠાલવ્યો હતો. જેના લીધે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કરશન બારડે પક્ષપલટા સામે રોષ ઠાલવ્યો હતો અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો : 'જૂતા કાઢીને મારીશ, અમને બદનામ કરવું છે...' ભાજપના મહિલા ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યાં
તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, લોકસભાની ચૂંટણીમાં પણ નિષ્ક્રિય રહ્યા હતા. વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરખાને એક છે. કરશન બારડે વધુમાં કહ્યું હતું કે આડકતરી રીતે તેઓ ભાજપને મદદ કરે છે. બન્નેનું સેટીંગ ચાલી રહ્યું છે. તેમના ગામ ચોરવાડામાંથી કોંગ્રેસને ખૂબ ઓછા વોટ મળ્યા હતા.