કોંગ્રેસના હંગામા બાદ મળી આવ્યા દાંતા કોંગ્રેસના ધારાસભ્ય
ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો : કાંતિ ખરાડી
કાંતિ ખરાડીના આરોપ પર ભાજપનો પલટવાર
અમદાવાદ, તા. 5 ડીસેમ્બર 2022, સોમવાર
ગઈકાલે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના હંગામા બાદ આજે સવારે મળી આવ્યાના સમાચાર છે. આ મામલે કોગ્રેસે ભાજપ પર અપહરણને લઇને ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
રાજ્યની વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે ચાલુ થઈ ગયુ છે. ત્યારે ગઈકાલ રાતે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરવામાં આવ્યું છે.
ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો : કાંતિ ખરાડી
આ અંગેની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માહિતી આપતા કહ્યું હતું કે અમારે ફોન પર વાતચીત થઇ છે અને તેઓ મળી ગયા છે. ત્યારે ગુમ થવા અંગે કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, તેઓ પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ગઈકાલે રાતે દાંતાના છોટા બામોદરા ગામેથી ગુમ થયા હતા. પરંતુ અત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય કાંતિ ખરાડી મળી ગયા છે.
કાંતિ ખરાડીના આરોપ પર ભાજપનો પલટવાર
કાંતિ ખરાડીના ગુમ થવા મામલે રાજકારણ ગરમાયુ છે. દાંતાના કોંગી ઉમેદવાર કાંતિ ખરાડીના આરોપ પર ભાજપના ઉમેદવાર લાઘુ પારઘીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, કાંતિ ખરાડીએ મારા પર હુમલો કરાવ્યો. હું દાંતા ભાજપ કાર્યાલયથી મારા ઘર તરફ જઈ રહ્યો હતો,ત્યારે રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી ગઈ હતી. મારી ગાડીને ટક્કર મારીને તોડી નાખી. ધોકા અને તલવારો લઈને મારવા આવ્યા હતા. હું જીવ બચાવવા માટે નાસીને પોલીસ સ્ટેશને આવ્યો છું.
ધારાસભ્ય કાંતિ ખરાડી મળી આવતા પોલિસને હાસકારો મળ્યો
અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કાંતિ ખરાડીએ બોગસ મતદાન અને ધાક ધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ અંગે કલેકટર એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને પણ જાણ કરી હતી, જો કે ગુમ થયાંના સમાચાર સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને પોલીસની ટીમો કાંતિ ખરાડી ને શોધવાના કામે લાગી હતી. જ્યારે ધારાસભ્ય કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા મુશ્કેલીઓ વધી હતી. પરંતુ આજે કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય કાંતિ ખરાડી મળી આવતા પોલિસને હાસકારો મળ્યો છે.
કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલાનો મામલો, ચૂંટણી પંચના નિર્દેશ બાદ કાંતિ ખરાડીને આપવામા આવી વધારાની સુરક્ષા