Get The App

બોરસદ માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસની હાર, ભાજપની ખેડૂત વિકાસ પેનલની જીત

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
બોરસદ માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસની હાર, ભાજપની ખેડૂત વિકાસ પેનલની જીત 1 - image


- 6 દાયકાથી એપીએમસીમાં કોંગ્રેસના એકહથ્થું શાસનનો અંત

- બોરસદના પૂર્વ ધારાસભ્ય અને અમૂલના પૂર્વ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની પ્રતાપસિંહ સોલંકી સામે 14 મતોથી હાર 

આણંદ : બોરસદ એપીએમસીની ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત ખેડૂત વિકાસ પેનલના ૧૦ ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના બોરસદના પૂર્વ ધારાસભ્ય, અમૂલના પૂર્વ વાઈસ ચેરમેન તથા એપીએમસીના પૂર્વ ચેરમેનની સહકાર પેનલના ૯ ઉમેદવારોની હાર થઈ હતી. તેમજ ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા પ્રતાપસિંહ ગોહેલે પરાજય મેળવ્યો હતો. ૬ દાયકાથી વધુ સમયથી કોંગ્રેસનું એકહથ્થુ શાસન ધરાવતી બોરસદ માર્કેટયાર્ડમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બનશે. 

બોરસદ એપીએમસીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ગત મંગળવારે મતદાન યોજાયું હતું. ૬૨૫ મતદારો પૈકી ૬૧૪ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચૂંટણીમાં ઉમેદવારી કરનારી ભાજપ સમર્થકોની ખેડૂત વિકાસ પેનલ અને કોંગ્રેસ સમર્થકોની સહકાર પેનલના કુલ ૮ ઓબ્ઝર્વર તથા પોલીસના પહેરા વચ્ચે મતપેટીને સીલ કરી મુકવામાં આવી હતી. બુધવારે સવારે ૯ વાગ્યે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કે રદ થયેલા મતની ગણતરી કરતા ૩૩ મત રદ થયા હતા. જેથી ૫૮૧ માન્ય મતની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ૨૫ મતના ૨૪ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. મતગણતરીની શરૂઆતથી બંને પેનલ વચ્ચે રસાકસી સર્જાઈ હતી. જોકે, છેલ્લા ૩ રાઉન્ડમાં એકાએક ભાજપ સમર્થિત ખેડૂત વિકાસ પેનલના ઉમેદવારોને બહુમતિ મળી હતી. બાદમાં ખેડૂત વિકાસ પેનલના તમામ ૧૦ ઉમેદવારોનો વિજય થયો હતો.  નોંધનીય છે કે, વર્ષ ૧૯૫૮માં બોરસદ એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધી એકપણ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બન્યા ન હતા. ૬૦ વર્ષથી વધુ સમયથી એકહથ્થુ શાસન ધરાવતી કોંગ્રેસની પ્રથમ વખત ખેડૂત વિકાસ પેનલના નવા નિશાળિયાઓ સામે હાર થઈ હતી. કોંગ્રેસ સમર્થકોની સહકાર પેનલના અગ્રણી, બોરસદના પૂર્વ ધારાસભ્ય, અમૂલના પૂર્વ વાઈસ ચેરમેન તથા એપીએમસીના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની ખેડૂત વિકાસ પેનલના પ્રતાપસિંહ સોલંકી સામે ૧૪ મતોથી હાર થઈ હતી. તેમજ આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કઠાણા જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય નટવરસિંહ મહિડા પણ ૨૧ મતથી હારી ગયા હતા. બોરસદ વિધાનસભા બાદ હવે સહકારી સંસ્થામાં પણ કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હોવાની સ્થિતિ ઉદભવી હતી.

અપક્ષ તથા સહકાર પેનલના હારેલા ઉમેદવારો

ઉમેદવાર

મળેલા મત 

પ્રતાપસિંહ ગોહેલ

૨૬૦

રાજેશભાઈ ઠાકોર

૨૬૫

જનકભાઈ પટેલ

૨૬૧

રિપલભાઈ પટેલ

૨૬૯

ઋષિલભાઈ પટેલ

૨૬૦

ગોવિંદભાઈ પરમાર

૨૪૯

રાજેન્દ્રસિંહ પરમાર

૨૯૦

નટવરસિંહ મહીડા

૨૮૪

રમેશભાઈ રાયપુરા

૨૫૮

જશવંતભાઈ સોલંકી

૨૩૮

ખેડૂત વિકાસ પેનલના વિજેતા ઉમેદવારો

ઉમેદવાર

મળેલા મત

હરમાનભાઈ ઠાકોર

૩૧૨

ઈલેશકુમાર પટેલ

૩૨૬

તુષારભાઈ પટેલ

૩૨૪

પરેશભાઈ પટેલ

૩૧૯

યોગેશભાઈ પટેલ

૩૨૧

હિતેશભાઈ પટેલ

૩૨૧

દિનેશભાઈ પરમાર

૩૦૪

અશોકકુમાર મહીડા

૩૧૫

નરસિંહભાઈ રાયપુરા

૩૦૯

પ્રતાપસિંહ સોલંકી

૩૦૪

ગેજેટમાં પ્રસિદ્ધિ બાદ ચેરમેનની ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે

આણંદ જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી અભિષેક સુવાએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. ગેજેટમાં પ્રસિદ્ધિ બાદ ચેરમેનની ચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે.


Google NewsGoogle News