'ભાજપનો વિકાસ રોડમાં દેખાણો', વડીયા કોંગ્રેસ પરિવાર દ્વારા બિસ્માર રોડને લઈને કરાયો અનોખો વિરોધ
Amreli Congress Protest: અમરેલીના વડીયાથી બાટવા દેવળી સુધીના બિસ્માર રોડને લઈ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું. બિસ્માર રોડ પર હાથમાં બેનરો રાખી સૂત્રોચ્ચાર કરીને રામધૂન બોલાવી હતી.
અમરેલી જિલ્લાના વડીયાથી બાટવા દેવળી સ્ટેટ હાઈવે છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. અનેક વખત સ્થાનિક લોકો રજૂઆતો કરી ચૂક્યા છે. તેમ છતાં આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે કંટાળીને આજે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈના અધ્યક્ષ સ્થાને દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પરિવાર દ્વારા હાથમાં ભાજપ વિરોધી બેનરો અને સૂત્રો લખવામાં આવ્યા હતા. રસ્તા પર આવતા જતા રાહદારીઓની પૂછપરછ કરવામાં આવી કે આ રસ્તાની હાલત કેવી છે? ત્યારે રાહદારીઓ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો કે, રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. અહીં કોંગ્રેસ પરિવારના કાર્યકરોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી અને રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ કાર્યકરોએ બેનરો સાથે કર્યો વિરોધ
કોંગ્રેસ કાર્યકરો આ બિસ્માર રસ્તા પર બેનરો લઈને આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, 'વડીયાની જનતાને ન્યાય આપો... ન્યાય આપો', 'ભાજપનો વિકાસ રોડમાં દેખાણો', 'વડીયાના લોકો છે ત્રસ્ત ભાજપના નેતાઓ મસ્ત' અને 'જ્યાં જ્યાં ભાજપ ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર'.
આ રસ્તાની હાલત કફોડી અને બિસ્માર છે, રસ્તામાં મસમોટા ખાડાઓ છે. અહીં મુસાફરો અને વાહનોને પણ તોબા પોકારી જાય એવી સ્થિતિ છે. આ રસ્તો રાજકોટ જિલ્લાને જોડતો સ્ટેટ હાઇવે છે. અહીંથી ગોંડલ, રાજકોટ સહિત દવાખાને જવાનો મુખ્ય રસ્તો ગણાય છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ રસ્તો બનાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા આજે કોંગ્રેસ પરિવારે કાર્યક્રમ યોજીને કુંકાવાવને ઘી કેળા અને વડીયાને સૂકો રોટલો એવું નહીં ચલાવી લેવાય કહીને ચીમકી ઉચ્ચારી આગામી દિવસોમાં રસ્તાની કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ અમરેલી: મોટા લીલીયામાં ભાજપના બે સદસ્યોના રાજીનામા, કહ્યું-અમારું કોઈ સાંભળતું નથી
છેલ્લા અઢી વર્ષથી વડીયા સહિત આસપાસ ગામોની સ્થાનિક મતદાતાઓની રજૂઆતો ધ્યાને ન લેવાતા આખરે કોંગ્રેસ પરિવાર મેદાને આવ્યું છે. કોંગ્રેસના 10 કાર્યકર્તાઓ આ રસ્તાને બનાવવાની રજૂઆત માટે આગળ આવ્યા છે. જો આ બિસ્માર રસ્તાને તાત્કાલિક નહીં બનાવવામાં આવે તો વિકાસશીલ ભાજપ સરકાર પરથી મતદાતાઓનો વિશ્વાસ ડગમગી જાય તો નવાઈ નહીં. 10માંથી 100 લોકો થતા વાર નહીં લાગે. હવે જોવાનું એ રહેશે કે સરકાર મતદાતાઓનું સાંભળશે કે નહીં એ પણ સમય જણાવશે.