શક્તિસિંહ ગોહિલ કેમ ગુસ્સે થયા : છેલ્લા કલાકોમાં દુરુપયોગ ના કરો, સત્તા આવે ને' જાય
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'જામનગરમાં કોંગ્રેસ માટે કામ કરતા યુવાનોને એક પોલીસ અધિકારીએ બેસાડ્યા છે. દ્વારકામાં પણ પોલીસતંત્રનો દુરપયોગ કર્યો છે. છેલ્લા કલાકોમાં દુરુપયોગ ના કરો, સત્તા આવે ને જાય તંત્રએ તટસ્થ રહેવું જોઈએ.'
શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર સ્થિત સેક્ટર-19માં આવેલા પોતાના મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતા. જ્યાં મતદાન મથકની અંદર ભાજપના ચૂંટણી ચિહ્ન કમળના નિશાન ધરાવતી પેન રાખીને ભાજપના પોલિંગ એજન્ટને જોઈને ભડક્યા હતા. 'તેમણે કહ્યું હતું કે, ભાજપ મતદાન/બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? ચૂંટણી પંચે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. લોકશાહીમાં ભાજપનો અહંકાર આવે શરમ સીમાએ પહોંચે છે જેનો જનતા જનાર્દન મજબૂત જવાબ આપશે.'
કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 47.03% મતદાન થયું છે.