Get The App

સિનિયર નેતાઓ બૂથ પણ જીતાડી નથી શકતા, હવે અમે વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
સિનિયર નેતાઓ બૂથ પણ જીતાડી નથી શકતા, હવે અમે વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી 1 - image


Rahul Gandhi Gujarat visit : બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે મોડાસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, 'ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. દેશમાં શું ચાલી રહ્યું છે એ બધાં જાણે છે. દેશમાં બેરોજગારી વધી રહી છે પરંતુ, બે-ત્રણ અબજોપતિને બધી સંપત્તિ આપવામાં આવી રહી છે. તમે જ મોકલેલા છે. તેમના માટે બધી જ સુવિધા છે. જે એમને જોઈએ તે તેમને મળી જાય છે. ભલે તે એરપોર્ટ હોય, પોર્ટ હોય, સિમેન્ટ હોય, ઈન્ફ્રાસ્ટ્ર્કચર હોય બધું તેમના હાથમાં જઈ રહ્યું છે અને ગુજરાત સહિત આખા દેશની જનતા બસ જોઈ રહી છે.'

ભાજપને કોંગ્રેસ જ હરાવી શકે છે: રાહુલ ગાંધી

તેમણે વધુમાં કહ્યું હતું, કે 'દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. દેશમાં બે જ પાર્ટી વિચારધારાના આધારે બની છે, કોંગ્રેસ અને ભાજપ.  તેથી લડાઈ ફક્ત અમારા બે વચ્ચે છે અને બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો અમારે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે અમને આપ્યા છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. અમારી પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.' 


કોંગ્રેસે બનાવી વ્યૂહનીતિ

કોંગ્રેસની વ્યૂહનીતિ વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અમારી ચર્ચામાં મુખ્ય વાત એ નીકળી કે, જિલ્લાને અમદાવાદથી નહીં તે જ જિલ્લામાંથી ચલાવવામાં આવશે અને જિલ્લાના નેતાઓની તાકાત વધારવામાં આવશે અને તેમને જવાબદારી આપી તેમના હાથ મજબૂત કરવામાં આવશે. અમે નિરીક્ષણ માટે નેતા મોકલ્યા છે, જે તમારી સાથે વાત કરી અમને રિપોર્ટ આપશે જેમાંથી જિલ્લા પ્રમુખ નિયુક્ત કરવામાં આવશે. જિલ્લા પ્રમુખ સમાધાન કરનાર ઉમેદવાર નહીં હોય. જિલ્લા પ્રમુખ આ જિલ્લાને ચલાવશે. તેના નિર્ણયથી જિલ્લો ચાલશે. ઉપરથી કોઈ આદેશ આપવામાં નહીં આવે.'

રેસના ઘોડાને દોડાવીશું અને વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી 

છેલ્લાં ઘણાં સમયથી અમારી પાર્ટી નિરાશ જોવા મળે છે. ગુજરાતમાં નિરાશા જોવા મળી રહી છે. એવું લાગે છે કે, આ ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ, હું તમને અહીં જણાવવા આવ્યો છું કે, આ કોઈ અઘરૂ કામ નથી. આપણે ગુજરાતમાં આ કામ કરીને રહીશું. અમે નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ પાર્ટીમાં થોડા બદલાવની જરૂર છે. જિલ્લાના સિનિયર નેતાઓ સાથે વાતચીતમાં મને જાણવા મળ્યું કે, અહીં લોકલ નેતાઓને ટિકિટ વહેંચણીના નિર્ણયમાં સામેલ કરવામાં નથી આવતાં. મને જણાવ્યું કે, ખબર નહીં ટિકિટ ક્યાંથી આવી? જાણે આકાશમાંથી ટપકીને આવી જતી હોય. બીજી વાત મેં પહેલાં કહ્યું હતું કે, બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો અને બીજો વરઘોડાનો ઘોડો પરંતુ, ત્રીજો ઘોડો પણ હોય છે જે લંગડો છે. હવે અમે આ ઘોડાને થોડા અલગ કરવા ઈચ્છીએ છીએ. રેસના ઘોડાને અમે દોડાવીશું અને વરઘોડાના ઘોડાને નચાવીશું.

ધારાસભ્ય-સાંસદને આપ્યો સંકેત

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, સંગઠન અને ચૂંટણી લડનારા વચ્ચે કનેક્શન હોય. આજકાલ એવું થાય છે કે, કોંગ્રેસનું સંગઠન ચૂંટણી જીતાડે છે અને એકવાર વ્યક્તિ ધારાસભ્ય, સાંસદ બની જાય પછી તે સંગઠનને ભૂલી જાય છે અને કહે છે તમે જાણો અને તમારૂ કામ જાણે. તેથી હવે અમે સંગઠનના માધ્યમથી લોકોની પસંદગી કરીશું. આ અમારો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ છે. ગુજરાતમાં તેને ટેસ્ટ કરવામાં આવશે. કારણ કે, ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે. અમારી લડાઈ વિચારધારાની છે જે ગુજરાતમાં અમે લડીશું અને જીતીશું.

સિનિયર નેતાઓની કાઢી ઝાટકણી

રાહુલ ગાંધીએ બની બેઠેલા સિનિયર નેતાઓ વિશે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ઘણાં એવા નેતા છે, જે સિનિયર નેતા બની બેઠા છે પરંતુ બૂથ પણ નથી જીતાડી શકતાં. તેથી અમે એવા લોકોને તાકાત આપવા ઈચ્છીએ છીએ જેની પકડ બૂથ લેવલથી છે.

ભાજપમાં જોડાયેલાને પ્રેમથી બહાર કાઢીશું

'નવી પેઢીને આપણે કોંગ્રેસમાં લાવવાની છે. આ ભીડમાં એવા નેતા છે જે જનતા સાથે જોડાયેલા લોકો છે તેમને આગળ વધારવાના છે. આ ભીડમાં એવા પણ નેતા છે જે ભાજપ સાથે ભળેલા છે તેમને આપણે શોધીને પ્રેમથી બહાર કાઢવાના છે.'

Tags :