'ખાખી વર્દી પહેરી ભાજપના જ કામ કરવા હોય તો...' સ્થાનિક ચૂંટણી વચ્ચે કોંગ્રેસી દિગ્ગજનો પડકાર
Punja Vansh controversial statement : હાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. સ્થાનિક નેતાઓ જાહેર સભાઓ અને ડોર ટુ ડોર અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે બુધવારે જુનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક પુંજાભાઇ વંશે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને ઉઘાડી ચિમકી આપી છે. કોંગ્રેસ નેતાના બેફામ નિવેદન બાદ વિવાદનો મઘપૂડો છેડાયો છે.
જુનાગઢમાં યોજાયેલી જાહેરસભામાં પુંજાભાઇ વંશેપોલીસ અને વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો તમને ભાજપની ચાપલૂસી કરવામાં અને તેમના એજન્ટ બનવાની આટલા બધી તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને ચૂંટણી લડવા મેદાને આવો અમને વાંધો નથી. નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દો, ખોડી રેડ પાડશો નહી.
વધુમાં તેમણે કહ્યું હતું કે 'યાદ રાખજો બધાનો વારો આવે છે, પટ્ટા ઉતરતાં વાર નહી લાગે. ભૂતકાળમાં કેટલાય લોકો જેલમાં ગયા છે. ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે, રેડો પાડવા માટે. અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી વિના ક્યારેય શક્ય ન બને. ગુંડાગર્દી તમારી ભાગીદારી વિના ક્યારેય શક્ય ન બની શકે. તમે જુનાગઢને કઇ દિશામાં લઇ જવા માંગો છો. સમય બધાનો આવે છે તેને ધ્યાનમાં રાખીને કામ કરજો.
ભાષણના અંતે તેમણે કલેક્ટર અને વહિવટી તંત્રને અપીલ કરી હતી કે આગામી 16 ફેબ્રુઆરીએ યોજાની ચૂંટણીમાં લોકો કોઇપણ જાતના ડર કે ભય વિના પારદર્શક રીતે મતદાન કરી શકે તેનું વાતાવરણ પુરૂ પાડવામાં આવે.